Valsad: કપરાડાના શુક્લબારી ગામની શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓ મંદિરમાં અભ્યાસ કરવા મજબુર
Valsad: કપરાડા તાલુકાના શુક્લબારી ગામની પ્રાથમિક શાળા જર્જરિત બનતા વિદ્યાર્થીઓને મંદિરમાં ભણાવવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. તંત્રની ઢીલી નીતિ અને અણઘડ વહીવટના પાપે બાળકોને મંદિરમાં ભણવા જવુ પડે છે.
સરકાર દ્વારા શિક્ષણ માટે મોટા મોટા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ અંતરિયાળ ગામડાઓની શાળાઓની સ્થિતિ હજુ બદ્દતર હાલતમાં છે. વલસાડ જિલ્લાના શુક્લબારી ગામની પ્રાથમિક શાળામાં તો બાળકોના ભવિષ્ય સાથે રીતસર મજાક થઈ રહી એ પ્રકારની સ્થિતિ સામે આવી છે. અહીં શિક્ષકો તો બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સરકારી બાબુઓના પાપે આ બાળકો સ્કૂલમાં નહીં, પરંતુ મંદિરમાં ભણી રહ્યા છે. શાળા એ વિદ્યાનું મંદિર કહેવાય છે, પરંતુ શુક્લબારી ગામમાં તો બાળકોને મંદિરમાં જ ભણવા જવુ પડે છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શુક્લબારી ગામમાં આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. આથી આ પ્રાથમિક શાળાના બાળકોને મંદિરમાં ભણાવવામાં આવે છે. લોકો જ્યાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય ત્યાં શુકલબારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ના-છૂટકે અભ્યાસ માટે આવે છે. અહીં મંદિરમાં ધોરણ 1થી લઈને 7 ધોરણ સુધીના બાળકો એક સાથે ભણી રહ્યા છે. એક જ મંદિરમાં 3 શિક્ષિકા તેમને ભણાવી રહી છે, એટલું જ નહીં પણ સામે જ રસ્તો હોવાથી વાહનોની સતત અવરજવર રહે છે, પરિણામે બાળકો અભ્યાસ કરી શકતા નથી. ઉપરથી રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માતનો પણ ભય રહે છે. આ બાળકો અને શિક્ષકોની ફિકર કોણ સમજશે એ એક સવાલ છે.
શાળાના મકાનની હાલત બદથી બદતર થઇ ગઈ છે. અભ્યાસ કરવાનું તો દૂર પણ ત્યાં જવામાં પણ જીવનું જોખમ રહેલુ છે. ક્યારે છતનો કોઈ ભાગ નીચે પડે તે ડર સતત સતાવતો રહે છે. એટલે જ ખાલી ખોખું બની ગયેલી આ શાળા બંધ કરીને નજીકના મંદિરમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ શાળાના શિક્ષકો પણ આ બાબતે સંબંધિત વિભાગને રજૂઆત કરી કરીને થાકી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. શાળાને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કેટલાક ગામોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. એ વાતનું ઉત્તમ ઉદાહરણ આ શાળા.એટલે કે મંદિર છે. ત્યારે વહેલી તકે આ ગામમાં શાળા નવી બને અને મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરવાનું નસીબ સાંપડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- સચીન કુલકર્ણી- વલસાડ