વિવિધ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર વલસાડના તત્કાલિન કલેક્ટર સી.આર ખરસાણને બેસ્ટ જિલ્લા કલેક્ટરનો મળ્યો એવોર્ડ
Valsad: ઈ-મેઘ પ્રોજેક્ટ, સીએમ ડેશબોર્ડ, રાત્રિ સભા અને ચૂંટણીલક્ષી કામગીરીમાં વિશિષ્ટ કામગીરી કરનાર વલસાડના તત્કાલિન કલેક્ટર સી.આર. ખરસાણને બેસ્ટ જિલ્લા કલેક્ટરનો એવોર્ડ એનાયત કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર અને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સી.આર.ખરસાણને ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2018-19ના સર્વશ્રેષ્ઠ જિલ્લા કલેકટર તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડની સાથે વલસાડ જિલ્લાના વિકાસ માટે રૂ. 40 લાખની ગ્રાંટ પણ ફાળવાઈ હતી.
ઈ-મેઘ પ્રોજેક્ટ અંતર્ગત આગવી સૂઝબુઝ વાપરી પૂરથી ઓછામાં ઓછુ નુકસાન થાય તેવી કામગીરી કરી
વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા તારાજીના દ્ર્શ્યો જોવા મળતા હતા. પરંતુ સંભવિત પૂર વિશે આગોતરી માહિતી મળી શકે અને પૂરના કારણે થતુ નુકસાનીનું પ્રમાણ ઓછુ કરી શકાય એ માટે વલસાડ જિલ્લાના તત્કાલિક કલેકટર સી.આર.ખરસાણ દ્વારા અર્લી વોર્નિંગ ફોર ફલડ મેનેજમેન્ટ અંગેની ગોઠવણી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. આ ઈ-મેઘ પ્રોજેક્ટ (અર્લી વોર્નિંગ સીસ્ટમ) ને દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
કોરોના દરમિયાન સીએ.એમ ડેશબોર્ડની કામગીરીમાં વલસાડ જિલ્લાને અપાવ્યુ પ્રથમ સ્થાન
સી.આર. ખરસાણના કાર્યકાળ દરમિયાન સીએમ ડેશબોર્ડની કામગીરીમાં વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. સીએમ ડેશ બોર્ડમાં પ્રજાલક્ષી 50 થી વધુ સેવા જેવી કે, દાખલા-પ્રમાણપત્ર આપવા, 108 સેવા, રેવન્યુ અને પંચાયત સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં નિયત સમય મર્યાદામાં લોકપ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો હતો.
નોકરી ધંધા અર્થે દિવસ દરમિયાન બહાર રહેતા ગ્રામજનો રાત્રિ દરમિયાન મળી શકે અને તેઓની સમસ્યા સાંભળીને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય તે માટે તત્કાલિન કલેકટર ખરસાણ દ્વારા કલસ્ટર મુજબ ચાર થી પાંચ ગામડા મળી રાત્રિ સભાનું આયોજન પણ કરાયું હતું. જેના થકી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળી હતી.
આદિવાસી જિલ્લાની કેટેગરીમાં વલસાડ જિલ્લાના બેસ્ટ જિલ્લા કલેકટરનો ઍવોર્ડ
આ સિવાય ઈન્ડિયન એક્સપ્રેસ એક્સલન્સ એવોર્ડ, ઈ ગવર્નન્સ એક્સલન્સ એવોર્ડ અને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના વિવિધ એવોર્ડ ખરસાણે વલસાડ જિલ્લામાં વર્ષ 2017 થી 2020 સુધીના કાર્યકાળ દરમિયાન મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું. ત્યારે ફરી એક વાર સુશાસન દિવસે તા. 25 ડિસેમ્બર 2022ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ખરસાણને વર્ષ 2018-19 દરમિયાન આદિવાસી જિલ્લાની કેટેગરીમાં વલસાડ જિલ્લાના બેસ્ટ જિલ્લા કલેકટરનો ઍવોર્ડ મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ તથા સિનિયર સચિવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો છે. સાથે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર અને રૂ. 51,000નું પારિતોષિક પણ એનાયત કરાયું હતું. વલસાડ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જિલ્લાના સુજ્ઞ નાગરિકોએ ખરસાણને અભિનંદન પાઠવ્યા હતા.
ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ-અમદાવાદ