Monsoon 2023: મધુબન ડેમને અડધી રાત્રે કેમ એક મીટર ખાલી કરાયો? આવક કરતા ડબલ પાણી છોડી દેવાનુ જાણો કારણ
Madhuban Dam Current water level: મધુબન ડેમમાંથી મધ્યરાત્રીથી જ પાણી છોડવાની શરુઆત કરવામાં આવી હતી. 10 દરવાજા અઢી મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા અને નદીમાં ધોડાપુરની સ્થિતી સર્જાઈ હતી.
વાપી નજીક આવેલ મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો છેલ્લા બે દિવસ દરમિયાન નોંધાયો હતો. શુક્રવાર રાત્રે દમણગંગા નદીમાં પુર આવ્યા હોય એમ પાણીની આવકમાં વધારો થયો હતો. શુક્રવાર સાંજ છ કલાકથી પાણીની આવકમાં વધારો થવા લાગ્યો હતો. સાંજના છ કલાકથી પાણીની આવક 25 હજાર ક્યુસેક નોંધાઈ હતી. જે રાત્રીના 9 કલાકના અરસા દરમિયાન 97 હજાર ક્યુસેક આવક નોંધાવવી શરુ થઈ હતી. જેને લઈ ડેમના 10 દરવાજા અઢી મીટર જેટલા ખોલવા પડ્યા હતા. જેને લઈ દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યુ હતુ.
દમણગંગા નદીમાં શુક્રવારે મધ્યરાત્રીના અરસા દરમિયાન પાણીની આવક ઘટવા છતાં સતત પાણી છોડવામાં આવી રહ્યુ હતુ.ડેમમાં જળસંગ્રહ ઘટાડીને 40 ટકાથી પણ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે ડેમની સપાટી માત્ર 71.15 મીટરની આસપાસ રાખવામાં આવી રહી છે.પાણીની આવક ઘટવા છતાં પણ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યુ છે. જોકે આમ કરવા પાછળ જરુરી ખાસ કારણ છે.
આ કારણથી ઘટાડવામાં આવ્યો જળસંગ્રહ
હાલમાં મધુબન ડેમમાં શનિવારે 2 વાગ્યાના અરસા દરમિયાન 38.68 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો હતો. મધુબન ડેમનો જળસંગ્રહ શુક્રવારે મોડી રાત્રીના એક કલાકે 44.24 ટકા જેટલો નોંધાયો હતો. જ્યારે જળસપાટી 72.15 પર પહોંચી હતી. ત્યાર બાદ રાત્રીના 2 કલાકે ડેમમાંથી પાણી 90 હજાર ક્યુસેક છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સામે પાણીની આવક 58 હજાર ક્યુસેક હતી. આ પહેલા 56 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ હતુ.
મધ્યરાત્રી દરમિયાન 10 દરવાજાને અઢી મીટર સુધી ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ દમણગંગા નદીમાં પુરની સ્થિતી સર્જાઈ હતી. રાત્રી દરમિયાન દમણગંગા નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો વહેવા લાગ્યો હતો. શનિવારે સવારે 11 કલાક સુધી નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ. જેને લઈ જળસંગ્રહમાં ઘટાડો થવા લાગ્યો હતો. 44 ટકા કરતા વધુ ડેમમાં પાણીનો જથ્થો હતો, જે શનિવારે બે કલાકે માત્ર 38.68 ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. આમ પાંચ કરતા વધુ પાણીનો જથ્થો ઘટાડવામાં આવ્યો હતો. જ્યારે એંકદરે ત્રીસ એમસીએમ પાણી ઘટાડવામાં આવ્યો હતો.
રુલ લેવલ જાળવવા પાણી છોડાયુ
ડેમમાંથી પાણી ઘટાડવા માટે ખાસ કારણ છે. રુલ લેવલ હાલમાં જુલાઈ માસ દરમિયાન 72 મીટર હોવાને લઈ આટલી જળ સપાટી જાળવવી નિયમાનુસાર જાળવવી જરુરી છે. ફ્લડની સ્થિતી સહિતના અનેક કારણોને ધ્યાનમાં રાખીને નિયત કરવામાં આવેલ રુલ લેવલને જાળવી રાખવા માટે પાણીના જળસ્તરને એટલુ જ કે તેનાથી ઘટાડવુ જરુરી હોય છે. આ જ કારણ થી જળસપાટી ઘડાટીને 71 મીટરની આસપાસ કરવામાં આવી હતી. એટલે કે રુલ લેવલ કરતા જળ સપાટી 1 મીટર જેટલી ઘટાડી દેવામાં આવી હતી. આમ ફરી પાણીની આવક વધવાની સ્થિતીમાં ખતરાની સંભાવનાને ટાળી શકાય એ માટે રુલ લેવલના નિયમને અનુસરવામાં આવતુ હોય છે.
મધુબન ડેમની વર્તમાન સ્થિતી
- વર્તમાન જળસપાટીઃ 71.15 મીટર
- મહત્તમ જળસપાટીઃ 79.86 મીટર
- રુલ લેવલઃ 72 મીટર
- વર્તમાન જળસંગ્રહઃ 38.94 ટકા
પાણીની આવક અને જાવક
- મધ્યરાત્રીના 1.00 કલાકેઃ 70216 ક્યુસેક અને જાવક 56119 ક્યુસેક
- સવારે 07.00 કલાકેઃ 46169 ક્યુસેક અને જાવક 84885 ક્યુસેક
- સવારે 11.00 કલાકે:24788 ક્યુસેક અને જાવક 50865 ક્યુસેક
- બપોરે 02.00 કલાકે:24788 ક્યુસેક અને જાવક 24572 ક્યુસેક
- સાંજે 04.00 કલાકે:27911 ક્યુસેક અને જાવક 24689 ક્યુસેક