Breaking News : રેડ એલર્ટ વચ્ચે ધોધમાર, દમણ-સેલવાસમાં વરસાદી પાણીનો ત્રાસ કોના પાપે ? જુઓ હાલાકીનો Video
દમણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મહારાજા માર્કેટ અને ભીમપોર કોસ્ટલ હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
દમણ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો છે. દમણની જાણીતી મહારાજા માર્કેટમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી છે. ભીમપોર કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. રાણા સ્ટ્રીટ વિસ્તારમાં વરસાદના કારણે રસ્તામાં પડેલા ભુવાના કારણે એક કાર ફસાઈ ગઈ હતી.
દમણ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ શહેરમાં ભારે વરસાદને પગલે સાયલી બાલદેવી રોડ પર ચાલી રહેલા નવીનીકરણ કાર્યને નુકસાન થયું છે. મહાદેવ મંદિર નજીકની કોતર પર બનાવાતો પુલ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાં બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કુલ 91 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં 4.72 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 3.94 ઈંચ, પારડીમાં 3.82 ઈંચ, હાંસોટમાં 3.58 ઈંચ અને ખેરગામમાં 3.54 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 26 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે.
વરસાદને લઈને તંત્ર એલર્ટ સ્થિતિમાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)