શું બાળકોના જીવની કંઈ પડી નથી? સરકારી કાર્યક્રમમાં કલાકોથી ઉભેલા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા છતા હોસ્પિટલે ન લઈ જવાયા- Video
વલસાડના સંજાણ ગામે એક પેડ મા કે નામ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા અને તેમને કલાકો સુધી તડકામાં ઉભા રખાયા. જે બાદ કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી અને બેભાન થઈ ગયા છતા પણ વિદ્યાર્થીઓને ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા અને કાર્યક્રમ પુરો ન થયો ત્યાં સુધી તેમને હોસ્પિટલે ન લઈ જવાયા. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી કાર્યક્રમ શું વિદ્યાર્થીઓના જીવ કરતા પણ વધુ મહત્વનો છે?

વલસાડમાં સરકારી કાર્યક્રમમાં બોલાવાયેલા વિદ્યાર્થીઓને કલાકો સુધી તડકામાં ઉભા રાખવામાં આવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. કાર્યક્રમમાં લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ બેભાન થવા જેવા થઈ ગયા હતા. કેટલાક બેભાન પણ થયા હતા. જે બાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાને બદલે ગાડીમાં જ બેસાડી રખાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાળકોને ઘેટાબકરાની જેમ ટેમ્પોમાં ભરીને લાવવામાં આવ્યા હતા. સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ અને તેમના જીવ સાથે ઘોર બેદરકારી દાખવતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે.
આ સમગ્ર ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં બની. જ્યાં વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લવાયા હતા. ધારાસભ્ય રમણ પાટકર સહિતના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ હાજર હતા. સમય કરતા કાર્યક્રમ મોડો શરૂ થતા કલાકો સુધી વિદ્યાર્થીઓને તડકામાં ઊભા રાખવામાં આવ્યા. અધુરામાં પુરું કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલ કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવાને બદલે ત્યાં કારમાં બેસાડી દેવાયા અને કાર્યક્રમ પત્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા.
ત્યારે સવાલ થાય છે કે સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આ રીતે ટેમ્પોમાં ખીચોખીચ ભરીને લાવવા કેટલા યોગ્ય? તેમનો અભ્યાસનો સમય બગાડી તેમને કલાકો સુધી સરકારી કાર્યક્રમમાં હાજરી પુરવા લાવવા શું ઉચિત છે? પહેલા નિયમ ભંગ કરી એક ટેમ્પોમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા? અને ત્યારબાદ એજ ટેમ્પોમાં પાછા લઈ જવાયા? શું આ રીતે સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ યોગ્ય છે
સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત થઈ કફોડી તે મામલે કોંગ્રેસે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સમગ્ર ઘટનાને વખોડી કહ્યું કે મંત્રીની હાજરીમાં બાળકને ચક્કર આવી જવા જેવી ઘટના બને તે ખુબજ ખરાબ કહેવાય. જાહેર કાર્યક્રમમાં બાળકોને લઈ જવાના હોય તો યોગ્ય કાળજી લેવી જોઈએ.