Breaking News : હવે અમદાવાદ-સુરતના વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે, વડોદરામાં 28 KMનો રીંગ રોડ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે
વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા નિર્મિત 28 કિલોમીટરનો રીંગ રોડ એક મહિનામાં ખુલ્લો મુકાશે. આ બાયપાસ સુરત-અમદાવાદ વાહનચાલકોને શહેરમાં પ્રવેશ્યા વિના સીધો માર્ગ આપશે.

વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા બનાવાયેલ રીંગ રોડ એક મહિનામાં ખુલ્લો મુકાશે. 28 કિમીના રીંગ રોડની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરતથી અમદાવાદ વચ્ચે પસાર થતા વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રિવ્યૂ બેઠક બાદ આ માહિતી અપાઈ છે.
28 કિમીનો રીંગ રોડ એક મહિનામાં શરૂ થશે
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના માળખાકીય વિકાસ, સ્વચ્છતા તેમજ જળ વ્યવસ્થાપન જેવા પાયાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે ખાસ કરીને સમગ્ર શહેરમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને સફાઈ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.
આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) દ્વારા તૈયાર કરવામાં આવેલો મહત્વાકાંક્ષી રીંગ રોડ આગામી એક મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે
આ અંદાજે 28 કિલોમીટર લાંબો રીંગ રોડ કાર્યરત થવાથી સુરત અને અમદાવાદ હાઈવે પરથી પસાર થતા ભારે તેમજ અન્ય વાહનચાલકોને શહેરની અંદર પ્રવેશ્યા વિના જ સીધો બાયપાસ રસ્તો મળી રહેશે. આના પરિણામે વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર થતું ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને મુસાફરોના સમય તથા ઈંધણની બચત થશે.
વધુમાં, રિવ્યૂ બેઠકમાં શહેરના જળ પુરવઠા અને પાણીની સ્થિતિ અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલના તબક્કે વડોદરાના શહેરીજનોએ પાણીની કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે તંગી અંગે ચિંતા કરવાની જરૂર નથી. શહેરને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવરમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNL) મારફતે નર્મદાનું પાણી ઠાલવીને જળસ્તર મેન્ટેન કરવાની કામગીરી સતત ચાલી રહી છે.
સંપૂર્ણ તૈયારી પણ પાલિકા તંત્ર દ્વારા કરી લેવામાં આવી
આ ઉપરાંત, આગામી સમયમાં એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાથી શરૂ થતી ઉનાળાની ઋતુ દરમિયાન જો પાણીની માંગ વધે કે કોઈ મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાય, તો તેને પહોંચી વળવા માટે SSNL પાસેથી વધુ પાણી મેળવવાનું આગોતરું આયોજન અને સંપૂર્ણ તૈયારી પણ પાલિકા તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. આમ, વહીવટી તંત્ર શહેરીજનોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ
