Vadodara: પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ જ કોર્પોરેશનનું પાણી ચોરી કરી ગેરકાયદેસર રીતે વેચતા હોવાનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં બે વ્યક્તિ રૂપિયાની લેવડ દેવડ કરે છે તો વાયરલ ઓડિયો કલીપમાં ન્યુ વીઆઇપી રોડ પર એરપોર્ટ જવાના માર્ગ પર ગોવર્ધન ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના પાણીના બે ટેન્કર નાંખવાની વાત એક વ્યક્તિ કરે છે
વડોદરા (Vadodara) શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી અને સ્વચ્છ પાણી (water) ની વ્યાપક બુમો સંભળાઈ રહી છે ત્યારે બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) ના પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ જ કોર્પોરેશનનું પાણી ચોરી કરી ગેરકાયદેસર રીતે વેચતા હોવાનું પુરવાર કરતી ઓડિયો કલીપ અને પૈસાની લેવડ દેવડ થતી હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમીબેન રાવતે આ વાયરલ (viral) ઓડિયો વિડીયો સાથે મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરી જવાબદાર પાણી ચોરો સામે વિજિલન્સ તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી છે.
વાયરલ વીડિયોમાં બે વ્યક્તિ રૂપિયાની લેવડ દેવડ કરે છે તો વાયરલ ઓડિયો કલીપમાં ન્યુ વીઆઇપી રોડ પર એરપોર્ટ જવાના માર્ગ પર ગોવર્ધન ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના પાણીના બે ટેન્કર નાંખવાની વાત એક વ્યક્તિ કરે છે, આ વ્યક્તિ પૈસા કેટલા એવું પૂછે છે તો સામે વાળી વ્યક્તિ 500 રૂપિયા મારા બાકીના તમારા એવું કહે છે.કોર્પોરેશન ની સરદાર એસ્ટેટ પાણીની ટાંકીમાંથી પાણી પૂરું પાડવા માટે આ વ્યક્તિ કહેતા સંભળાય છે.
કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમીબેન રાવતે આ વાયરલ ઓડિયો કલીપ અને વીડિયો કલીપ સાથે મ્યુનિસિપલ કમીશ્નર અને મેયરને પત્ર લખી એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે આ ષડયંત્ર છે અને ઉપલા અધિકારીની સાંઠગાંઠ વિના પાણી ચોરીનું આ કૌભાંડ શક્ય નથી, ત્યારે વિજિલન્સ તપાસ કરી તમામ સામે કાનૂની કાર્યવાહીની માંગ અમિ રાવતે કરી છે.
વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીએ સભામાં અનેકવાર રજૂઆત કરી છે. વિસ્તારમાં આવેલી ટાંકી કમાન્ડ વિસ્તારની બહાર પાણી વિતરણ કરે છે, દક્ષિણ ઝોનને અપાતા પાણીના પગલે પણ પૂર્વ વિસ્તારમાં સમસ્યા છે ત્યારે સરદાર એસ્ટેટ ટાંકીથી ગેરકાયદે પાણીની ટેન્કરનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. લોકોને પૂરતું પાણી મળી રહ્યું નથી અને પાણીનો ગેરકાયદે વેપાર થઇ રહ્યો છે. તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, જેના પગલે આગામી સમયમાં ભાજપના જ કાઉન્સિલરો દ્વારા ઉગ્ર રજૂઆતો થશે.
આ પણ વાંચોઃ Surat : દેશ વિદેશની 25 કંપનીઓ સુરતમાં ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા તૈયાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો