Vadodara : SSG હોસ્પિટલના બાળ સારવાર વિભાગે ત્રણ નવજાતશિશુની જટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું

Vadodara : SSG હોસ્પિટલના બાળ સારવાર વિભાગે ત્રણ નવજાતશિશુની જટિલ સર્જરી કરી નવજીવન બક્ષ્યું
Vadodara SSC Hospital Hospital Surgery

સયાજી હોસ્પિટલના બાળ રોગ અને સારવાર વિભાગે વધુ એકવાર નવજાત શિશુઓની સારવાર,કાળજી અને નવજીવન આપવામાં એક યશસ્વી પ્રકરણ આલેખીને ગુજરાતની ઉમદા આરોગ્ય સેવાઓની છબી નિખારી છે.

yunus.gazi

| Edited By: Chandrakant Kanoja

Mar 29, 2022 | 5:39 PM

વડોદરાની(Vadodara)સયાજી હોસ્પિટલના(SSG Hospital)બાળ રોગ સારવાર( Pediatric treatment)વિભાગે ખૂબ જોખમી,જટિલ અને ઝીણવટભરી ચોકસાઈ માંગી લેતી સર્જરી અને તબીબી પ્રક્રિયાઓ કરીને તેમજ ખૂબ લાંબી સારવાર આપીને ત્રણ માસૂમોને નવું જીવન આપ્યું છે.આ વિભાગના વડા ડો.શીલા ઐયરના માર્ગદર્શન હેઠળ તબીબો,નર્સિંગ સ્ટાફ અને સેવકોએ આ તબીબી ચમત્કારમાં યોગદાન આપ્યું છે.બાળ સારવાર વિભાગની ટીમે સરકારી હોસ્પિટલની શ્રેષ્ઠ સેવાઓમાં એક પ્રકરણ ઉમેર્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે સૌ ની જહેમતને બિરદાવીને અભિનંદન આપ્યાં છે. જેમાં બેબી કૈલાશનો માત્ર 28 અઠવાડિયાના ટૂંકા ગર્ભ કાળ પછી દુનિયામાં પ્રવેશ થયો હતો જે તબીબોની ભાષામાં ખૂબ નાજુક અને જોખમી પરિસ્થિતિ ગણાય છે. જેમાં માત્ર એક કિલો વજન અને એમાં પણ ફેફસાં વિકસિત નહિ. ડોક્ટર એ ફેફસાં ફૂલાવવા માટે સર્ફેક્તંટ આપ્યું.ત્યાર બાદ પણ શ્વાસ લેવાનું ભૂલી જવાની તકલીફ (એપનીયા) ચાલુ રહી.

રૂના પૂમડાં જેવા જન્મેલા બાળક નું વજન ૧.૭૦૦ કિલો સુધી પહોચ્યું

જયારે હૃદયની સોનોગ્રાફીમાં પણ પહેલા તો કંઈ આવ્યું નહીં. સાદા નાના ઓક્સિજન પરથી સી પેપ મશિન અને પછી વેન્ટિલેટર મશીનની વારે ઘડીએ જરૂરિયાત રહેતી.લગભગ 13 દિવસનો સી પેપ સપોર્ટ અને 18 દિવસના વેન્ટિલેટર સપોર્ટ તેમજ ટુ ડી ઈકો કાર્ડિયો ગ્રાફિમાં મોડરેટ થી લાર્જ પેટન્ટડક્ટસ આર્ટરીઓસિસ (P.D.A.) ની હાજરી થી ટ્રીટમેન્ટ આપવામાં મહામથામણ કરવી પડી.પેટન્ટડક્ટસ આર્ટરીઓસિસ ને બંધ કરવાના ઇંજેક્શન ચાલુ કરવામાં આવ્યા અને એ બંધ થતાં બાળક ની ઓક્સિજનની જરૂરિયાત ઓછી થઈ અને સફળતાપૂર્વક ઓક્સિજન સપોર્ટ પરથી દૂર કરવામાં આવ્યું.

80 દિવસના લાંબા તેમજ જોખમભર્યા જિંદગીની શરૂઆતના પ્રવાસ માં માતા તેમજ સંતાન એક યોદ્ધા તરીકે ઉભરી આવ્યા.એનિમિયા , સેપ્સિસ,આર. ઓ.પી. (R.O.P.)લાંબા ઓક્સિજન સપોર્ટની મથામણો થી આખરે આ રુના પૂમડાં જેવા જન્મેલા બાળક નું વજન ૧.૭૦૦ કિલો સુધી પહોચ્યું છે.

બેબી મીના કે જેનો અન્નનળી અને શ્વાસનળીનો ભાગ જન્મથી જ જોડાયેલો હતો

આ યોદ્ધા શિશુને હોસ્પિટલ માંથી રજા આપતા ડો.શીલા ઐયરની એન.આઈ.સી. યુ. ટીમ ; ડો.રિંકી, ડો.સ્નેહલ, ડો.ઋષિતા , ડો.લોકેશ, ડો. ભાર્ગવ, ડો. કિશન તેમજ સમગ્ર નર્સિંગ સ્ટાફ હર્ષની સાથે અનેરો ગર્વ અનુભવી રહ્યો હતો. જયારે અન્ય એક બાળક મીનાની અન્નનળી અને શ્વાસનળી માતાના ગર્ભમાં હતી ત્યાર થી જ જોડાયેલી હતી. આવું જ એક બાળક બેબી મીના કે જેનો અન્નનળી અને શ્વાસનળીનો ભાગ જન્મથી જ જોડાયેલો હતો.

તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરીને 20 દિવસની આઈ.સી. યુ. સારવાર બાદ બાળકને સંપૂર્ણ પણે માતાના ધાવણ સાથે સ્ટેપ ડાઉન વોર્ડ માં રખાયું. આ બાળક ને હૃદય અને કિડની ની પણ સમસ્યા છે.અને તબીબો અને સ્ટાફ એની જિંદગીને નવી અને સલામત દિશા આપવા પોતાના જ્ઞાન અને કુશળતાનો વિનિયોગ કરી રહ્યાં છે.

ધર્મિષ્ઠાને જન્મથી જ છાતીના ભાગમાં આંતરડાનો ભાગ પ્રવેશી ગયાની જોખમી તકલીફ

જયારે ત્રીજું બાળક ધર્મિષ્ઠાને જન્મથી જ છાતીના ભાગમાં આંતરડાનો ભાગ પ્રવેશી ગયાની જટિલ અને જોખમી તકલીફ હતી.ધર્મિષ્ઠા શરીરના અંગોના એકબીજામાં અનિચ્છનીય પ્રવેશ જેવી વિચિત્ર સ્થિતિમાં જન્મી હતી. આ નવજાત દીકરીને જન્મથી જ આંતરડા નો ભાગ છાતી ના ભાગ માં હતો.આ બેબી નું પણ સમયસર નિદાન કરવામાં આવ્યું અઘરું તથા નાજુક ઓપરેશન ઈશ્વરકૃપાથી વિઘ્ન વગર થતાં ટીમની જહેમત લેખે લાગી.

આ દરમિયાન માતા ને હૂંફ મળે તેમજ ધાવણ જળવાઈ રહે એ સમગ્ર પ્રક્રિયામાં સ્ટાફ નર્સ ભાનુસિસ્ટરે માનવીય સંવેદનાસભર યોગદાન આપ્યું. આ કાર્યસિદ્ધિથી આજે એન.આઈ.સી.યું.નું વાતાવરણ હરખથી ઉત્સવમય બની ગયું હતું.

ગુજરાતની ઉમદા આરોગ્ય સેવાઓની છબી નિખારી

ડો.શીલા ઐયરે,તેમની સમર્પિત ટીમની તબીબી મદદથી બાળકોની જીવન રક્ષાનો જંગ જીતનારી ત્રણેય માતા ને બાળકોની કાળજીમાં ધ્યાન રાખવા જેવી બાબતોની એક માતાની વત્સલતા સાથે વિગતવાર સમજ આપી હતી. સરકારી ન હોય તેવી હોસ્પિટલમાં આ ગૂંચવાડા ભરી સારવાર ના લાખો રૂપિયા ચૂકવવા પડે.જે સરકારી સયાજી હોસ્પિટલમાં આર્થિક અને નાણાંકીય ભારણ વગર મળી એની પણ નોંધ લેવી જ પડે.

આમ,સયાજી હોસ્પિટલના બાળ રોગ અને સારવાર વિભાગે વધુ એકવાર નવજાત શિશુઓની સારવાર,કાળજી અને નવજીવન આપવામાં એક યશસ્વી પ્રકરણ આલેખીને ગુજરાતની ઉમદા આરોગ્ય સેવાઓની છબી નિખારી છે.

આ પણ વાંચો :  Ahmedabad: રાજ્યભરના ખાનગી ટ્રાવેલ્સ એજન્ટોએ એર ઇન્ડિયા સામે લડત શરૂ કરી, કોઈ ઉકેલ નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવશે

આ પણ વાંચો :  Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati