વડોદરા મનપાનો ફરી એકવાર અણઘડ વહીવટ સામે આવ્યો છે. માત્ર દોઢ વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે બનેલ રોડને ખોદી નાખતા વિવાદ સર્જાયો છે. વારસિયા વિસ્તારમાં 4 કરોડથી વધુના ખર્ચે બનેલા રોડમાં તંત્ર ગટરની લાઈન નાખતા જ ભૂલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. હવે પ્રજાના ટેક્સના ખર્ચે બનેલ રોડને દોઢ વર્ષમાં જ ખોદવાનો વારો આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા કોઈ કામગીરી કર્યા અને તે વિવાદમાં ન આવે તો નવાઈ કહેવાય પરંતુ વિવાદમાં આવવું એ પાલિકાનો સ્વભાવ બની ગયો હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે લોકાર્પણ કરવામાં આવે રસ્તા પર લોકો અવર-જવર શરૂ કરી દે ત્યારબાદ તે રસ્તા પર ફરીથી ગટર લાઈન કે પાણીની લાઈન નાખવા માટે રોડને ખોદી નાખવા માટે પાલીતાણા જાણીતું બની ગયું છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. વડોદરા શહેરના વારસિયા રીંગરોડ પર દોઢ વર્ષ પહેલા બનાવેલા રોડને તોડી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરતાં વિવાદ સર્જાયો છે.
વારસિયા રિંગ રોડ પર દોઢ વર્ષ પહેલાં 4 કરોડના ખર્ચે બનાવેલો રોડ જાન્યુઆરીમાં તોડી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ થતાં વિવાદ થયો હતો, જેને કારણે કામગીરી પડતી મુકાઈ હતી. હવે 10 મહિના બાદ બંધ કરાયેલી કામગીરી શરૂ થતાં વિવાદ ઊભો થયો છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં મુખ્યમંત્રીએ વડોદરા આવ્યા ત્યારે ટકોર કરી હતી અને કહ્યુ હતુ કે મુખ્યમંત્રી આવે પહેલાં રોડ બની જાય છે અને પછી ગટર બનાવાય છે, જેથી નાણાંના વેડફાટમાં પાલિકા જ નહીં, પરંતુ સરકારને પણ સાંભળવું પડે છે, જેથી એક્શન ન લેવી પડે. મુખ્યમંત્રીની ટકોરના ગણતરીના દિવસો બાદ જ વારસિયા રિંગ રોડ પર પ્રેમદાસ જલારામ હોસ્પિટલથી ઓડનગર તરફના નાળા સુધી ડ્રેનેજ લાઈન નાખવાનું 6.63 કરોડનું કામ સ્થાયીમાં આવતાં વિવાદ ઊભો થયો હતો.
આ રોડને દોઢ વર્ષ પહેલાં 4 કરોડનો ખર્ચ કરી રિસર્ફેસિંગ કરાયો હતો. તેવામાં રોડ તોડવાથી વિવાદ થતાં કામગીરી પડતી મુકાઈ હતી. જોકે હવે 10 મહિના બાદ ફરીથી કોન્ટ્રાક્ટરે રોડ ખોદી ડ્રેનેજ લાઈન નાખવાની શરૂઆત કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. 4 કરોડનું આંધણ કર્યા બાદ ડ્રેનેજ લાઈન માટે રોડ ખોદી 8 મહિના રોડ બંધ કરાયો છે. જેથી નાગરિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી ફેલાઈ છે. નોંધનીય છે કે, 2020માં ડ્રેનેજનું હાથ પર લેવાયું હતું. ત્યારે રોડ બનાવતાં પૂર્વે કામ કેમ ન કરાયું તે પ્રશ્નો ઊઠ્યો હતો.