Vadodara: સયાજી હોસ્પિટલમાં પણ અંગદાન મળવા લાગ્યાં, ત્રીજાં અંગદાનથી લીવર, કિડની અને નેત્રમણી મેળવાયાં

મગજની સૂક્ષ્મ રક્તવાહિનીઓ ફાટી જવાને લીધે બ્રેઈન ડેડ થયેલા વિજયભાઈ લિંબાચિયાના પરિવારજનોએ ભારે હૈયે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે અને સમજદારી દાખવીને તેમના શરીરના સ્વસ્થ અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.

Vadodara: સયાજી હોસ્પિટલમાં પણ અંગદાન મળવા લાગ્યાં, ત્રીજાં અંગદાનથી લીવર, કિડની અને નેત્રમણી મેળવાયાં
organ donation
yunus.gazi

| Edited By: kirit bantwa

Jun 19, 2022 | 9:47 PM

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા (Vadodara) ની સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) માં અન્ય જરૂરિયાતમંદ દર્દીઓની જીવનરક્ષા માટે મનોમૃત એટલે કે બ્રેઈન ડેડ દર્દીઓના અમૂલ્ય અને તંદુરસ્ત અંગોનું દાન (Organ donations) આપવાની આવકાર્ય ઉદારતા પરિવારજનો બતાવી રહ્યાં છે. અંગદાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને તબીબોની સમજાવટને પગલે શરીરના ઉપયોગી અંગોનું દાન કરવાની જાગૃતિ આવી છે અને તેના પરિણામે અંગદાનની રાહ જોતા દર્દીઓ અને પરિવારોને રાહત મળી રહી છે. આજે મગજની સૂક્ષ્મ રક્તવાહિનીઓ ફાટી જવાને લીધે બ્રેઈન ડેડ થયેલા વિજયભાઈ લિંબાચિયાના પરિવારજનોએ ભારે હૈયે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે અને સમજદારી દાખવીને તેમના શરીરના સ્વસ્થ અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.

વિજયભાઈ લિંબાચિયાના પરિવારજનોની સંમતી બાદ સયાજી હોસ્પિટલના તબીબોની ટીમે સમયસર વિજયભાઈના શરીરમાંથી તંદુરસ્ત લીવર, કિડની અને આંખોના નેત્રમણીની સર્જરી કરીને અંગોની રાહ જોતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સલામત રીતે મેળવી લીધાં હતા. વિજયભાઈ લિંબાચિયાના લીવર, કિડનીથી અન્ય દર્દીઓને પણ સામાન્ય જીનવ મળી શકશે. જ્યારે તેમની આંખોના નેત્રમણીથી બે લોકોને દ્રષ્ટિ મળશે અને તેની જીંદગીમાં નવો પ્રકાશ રેલાશે.

સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે સ્વર્ગસ્થ અંગ દાતાના પરિવારની સંવેદનાસભર માનવીયતા અને અન્ય લોકોને નવું જીવન આપવાની ભાવના, મોટા દુઃખની ઘડીઓમાં પણ સાચો નિર્ણય લેવાની સ્વસ્થતાને બિરદાવી છે. તેમનો આ નિર્ણય અંગદાનની ખૂબ જરૂરી પ્રવૃત્તિને પ્રોત્સાહક બનશે એવી લાગણી વ્યક્ત કરવાની સાથે તેમણે એ પરિવારને સંકટ સમયે સમજદારી માટે હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા છે. જ્યારે બ્રેઈન ડેડ થયેલા વિજયભાઈના પાર્થિવ શરીરમાંથી સ્વસ્થ અંગો મેળવનારી તબીબી ટીમના લીવર પ્રત્યારોપણ સર્જન ડો.આનંદ, ડો. દર્શના , ડો.કંચન, ડો.ઉત્સવી, ડો.ગિરીશ, ડો.નરેન્દ્ર ઉમા અને મેડીસિન રેસીડેન્ટ ડો.દિવ્યેશ્વરીને બિરદાવ્યા છે.

ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું હતું કે અંગદાન એ મર્યા પછી અંગોની નિષ્ફળતાને લીધે મૃત્યુ સામે સંઘર્ષ કરતાં દર્દીઓને જીવતદાન આપવાનું મહા પુણ્યનું કામ છે. માણસના નશ્વર શરીરના સ્વસ્થ અંગો દ્વારા અન્યને નવું જીવન આપવું એનાથી મોટું કોઈ તર્પણ ના હોઇ શકે. આ બાબતમાં સામાજિક અને પારિવારિક જાગૃતિ કેળવવા અને વધારવામાં સૌ સહયોગ આપશે એવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati