
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા, જેમાં ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. જોકે, વડોદરાના વોર્ડ નંબર 15માં એક અણધારી અને ચર્ચાસ્પદ જીત નોંધાઈ છે. આ વોર્ડમાં ભાજપે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ચોથી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ જીત હાંસલ કરી છે. આશિષ જોષી ભૂતકાળમાં ભાજપના સસ્પેન્ડ થયેલા નેતા હતા, જેમણે પક્ષથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાણ કર્યું હતું અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી વિજેતા બન્યા હતા.
આશિષ જોષીની જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વોર્ડમાં ડભોઈના ધારાસભ્યે પોતાની પેનલ જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જોકે, તેમની પેનલ સંપૂર્ણપણે જીતી શકી નહોતી અને આશિષ જોષી એકલા જ કોંગ્રેસમાંથી વિજેતા બન્યા. પોતાની જીત બાદ આશિષ જોષીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે આ વિજય 12 માસૂમ બાળકો અને બે શિક્ષિકાઓનો છે, જેઓ હરણી બોટકાંડના પીડિત હતા. તેમણે ભ્રષ્ટાચાર વિરોધની લડાઈનો વિજય ગણાવ્યો અને પોતાના મહાદેવ પરના વિશ્વાસનો ઉલ્લેખ કર્યો.
તેમણે 100 ટકા ખાતરીપૂર્વક કહ્યું કે હરણી બોટકાંડના પીડિત પરિવારો અને બાળકો તેમને હારવા દેવા માંગતા નહોતા અને તેમની જીતથી તેઓ ખૂબ જ ખુશ હશે. આશિષ જોષીએ હરણી બોટકાંડમાં ખોટી રીતે સંડોવાયેલા લોકોને ચેતવણી આપી હતી કે હવે પીડિતોને ન્યાય મળવાથી કોઈ રોકી શકશે નહીં. તેમણે સમગ્ર તંત્ર અને કોન્ટ્રાક્ટરો પર પ્રહાર કરતા કહ્યું કે હવે આશિષ જોષી અને પીડિત પરિવારનો સમય છે, જ્યાં તેમને વળતરથી માંડીને ન્યાય સુધી બધું જ મળશે.
આશિષ જોષીએ મતદાનના બે દિવસ પહેલા પોતાના પર દાખલ થયેલા પ્રોહિબિશનના ગુના અંગે પણ વાત કરી હતી. તેમણે આને રાજકીય દબાણ ગણાવ્યું અને કહ્યું કે ગૃહમંત્રીની રેલી બાદ તેમને હરાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ જેના પર મહાદેવનો હાથ હોય તેનું કોઈ કંઈ બગાડી શકતું નથી. તેમણે ધારાસભ્યના પ્રયાસોને નિષ્ફળ ગણાવ્યા અને કહ્યું કે જ્યારે ધારાસભ્ય લોકોની સમસ્યાઓથી દૂર હતા ત્યારે પોતે નાગરિકોની મદદ માટે પૂર અને વરસાદ જેવી પરિસ્થિતિઓમાં તેમની સાથે ઊભા રહ્યા હતા.
આશિષ જોષીએ આગામી પાંચ વર્ષ વોર્ડ 15ના નાગરિકોની સેવા કરવા અને ભ્રષ્ટાચારીઓને જવાબ આપવાનો સંકલ્પ લીધો હતો. તેમની જીત વડોદરાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવાઈ રહી છે, જ્યાં એક સસ્પેન્ડ થયેલા નેતાએ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી એક બેઠક જીતી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.
સુરતમાં ભાજપની પ્રચંડ જીત બાદ સી.આર. પાટીલનું પહેલું નિવેદન આવ્યું સામે, જુઓ Video