AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરા- ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

Vadodara: ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનેકવાર રજૂઆત કરવા છતા કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી. જેના કારણે ખેડૂતોના મરચા, દિવેલા, કપાસ અને તમાકુનો પાક સુકાઈ રહ્યો છે.

વડોદરા- ડેસર તાલુકાના વરણોલી શિહોરા કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:34 PM
Share

વડોદરાના ડેસર તાલુકાના વરણોલી શિહોરા માઈનોર કેનાલમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાકને પિયત ન મળતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતા પાણી છોડવામાં આવતુ નથી. ત્યારે હવે ખેડૂતોએ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનું કહેવુ છે કે ડેસર તાલુકામાં વરણોલી શિહોરા માઈનોર કેનાલ માત્ર નામની જ કેનાલ છે.

કેનાલમાં છેલ્લે મરામત બાદ ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યુ હતુ

ગત વર્ષે ખેડૂતોની રજૂઆત બાદ તંત્રએ 25 વર્ષોથી સૂકી ભઠ્ઠી રહેલી આ કેનાલની મરામત કરાવી હતી અને તે દિવસે ટેસ્ટિંગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. એ દિવસને આજની ઘડી સુધી ખેડૂતોએ ફરી ક્યારેય કેનાલમાં પાણીનું ટીપુ પણ જોયુ નથી. સિંચાઈના પાણી માટે તરસત ખેડૂતો રજૂઆત કરી કરીને થાક્યા, પરંતુ તેમની રજૂઆત તરફ કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી.

સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોનો પાક સૂકાવાના આરે

વારંવારની રજૂઆત બાદ ખેડૂતોને મળે છે તો માત્ર વાયદા. પાણી મળતુ નથી. તંત્ર દ્વારા વાયદો કર્યા બાદ પણ પાણી ન આપતાં ડેસર તાલુકાના શિહોરા, પ્રતાપપુરા અને વરણોસી સહિતના આસપાસના અનેક ગામના ખેડૂતો પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. પાણી વગર ખેડૂતોનો તમાકુ, કપાસ, દિવેલા અને મરચાં સહિતનો પાક અને ઘાસચારો સુકાઇ રહ્યો છે.

અધિકારીઓ માત્ર હૈયાધારણા આપી છૂટી જતા હોવાનો ખેડૂતોનો આરોપ

ગત વર્ષે ટેસ્ટિંગ બાદ અધિકારીઓએ કેનાલમાં નિયમિત પાણી આપવાની ખેડૂતોને હૈયાધારણા આપી હતી, પરંતુ આજ દિવસ સુધી કેનાલમાં પાણી છોડાયું નથી. મહત્વની વાત એ છે કે ડેસરના મોટાભાગના વિભાગોમાં પાણી પહોંચાડાયું છે પણ આ વરણોલી શિહોરા કેનાલ હજુ કોરી કટ જ છે. તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ પાણી ન મળતા હવે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાવલી અને ડેસર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાંથી કેનાલો પસાર થાય છે. પરંતુ વર્ષોના વહાણા વીતી ગયા છતાં પાણીનું એક પણ ટીપું કેનાલોમાં નથી આવ્યું. જેના કારણે આ કેનાલ ધોળા હાથી સમાન સાબિત થઇ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">