બરોડા ક્રિકેટ એસોસિએશન (Baroda Cricket Association) કોટમ્બીમાં બનાવી રહ્યું છે વિશ્વકક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ. BCA અહીં માત્ર સ્ટેડિયમ નહીં, પરંતું નેશનલ ક્રિકેટ એકેડમી પણ બનાવી રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર્સ તૈયાર કરશે. વડોદરા, ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર ઝોનની અલાયદી ક્રિકેટ એકેડમી બનાવવામાં આવશે. અભાવો વચ્ચે પણ વડોદરાએ (Vadodara) અનેક આંતરરાષ્ટ્રીય અને રણજી ખેલાડીઓ આપ્યા છે. ત્યારે હવે BCA અને પ્રાઈવેટ કૉચ વડોદરામાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપીને ક્રિકેટર્સને તૈયાર કરશે.
અમદાવાદ અને રાજકોટ બાદ હવે વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ શકે છે. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી, તેનો નજીકના ભવિષ્યમાં અંત આવશે. કારણ કે બરોડા ક્રિકેટ એસોસિએશન હાલોલ રોડ પર કોટમ્બીમાં રૂપિયા 210 કરોડના ખર્ચે તૈયાર કરી રહ્યું છે અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ. 42 એકર જમીન, 6 લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ અને 35 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે.
વડોદરા ક્રિકેટના ઈતિહાસમાં આ નવું નજરાણું તૈયાર થઈ રહ્યું છે. જે વિશ્વકક્ષાએ અલગ ઓળખ આપશે. વડોદરા શહેરથી 22 કિલોમીટર અને અમદાવાદથી 121 કિલોમીટર દૂર રૂપિયા 210 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. લીલુંછમ ગ્રાઉન્ડ બનાવવા ખાસ ઘાસનો ઉપયોગ થયો છે. જે વરસાદનું પાણી ઝડપથી શોષી લેશે. 80 ટકા નિર્માણ થયેલા આ સ્ટેડિયમને ત્રણ કંપનીઓના 900 જેટલા કારીગરો ઝડપથી સ્ટેડિયમની કામગીરી પૂર્ણ કરવા મહેનત કરી રહ્યા છે.
આ સ્ટેડિયમમાં જેટલી સુવિધાઓ ક્રિકેટર્સ માટે રખાઈ છે. તેટલું જ ધ્યાન પ્રેક્ષકોનું પણ રખાયું છે. 35 હજાર પ્રેક્ષકો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા છે. તો આર્કિટેક્ટે વિશ્વના અનેક સ્ટેડિયમની મુલાકાત લઈને સૌથી સારી સુવિધાઓ ઉભી થાય તેવી ડિઝાઈન તૈયાર કરી છે. આ ક્રિકેટ સ્ટેડિયમ અને એકેડમીને કારણે વ્યાપક વિકાસ થશે. જે રોજગારીની વિપુલ તકો પણ ઉભી કરશે. સ્ટેડિયમના મેન્ટેનન્સની સાથે વિવિધ કામો સામે સ્થાનિકોને નોકરીની તક મળશે. આ સ્ટેડિયમથી વડોદરા જ નહીં મધ્ય ગુજરાતની સાથે સમગ્ર વેસ્ટ ઝોનમાંથી ઉભરતા સિતારાઓને ઘરઆંગણે પ્લેટફોર્મ મળી રહેશે.
માર્ચ 2023માં સ્ટેડિયમ સંપૂર્ણ તૈયાર થાય તેવી BCAની ગણતરી છે. જો સમય મર્યાદામાં બાંધકામ થયું તો BCCIના ઈન્સ્પેક્શન બાદ અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ રમાવવાની શરૂઆત પણ થઈ જશે અને આસપાસના 100 ગામોના લોકોને રોજગારીની નવી તક પણ મળશે.