VADODARA : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓની કલેકટરે કરી સમીક્ષા
VADODARA NEWS : જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે શહેર આરોગ્ય તંત્ર,જિલ્લા આરોગ્ય તંત્ર અને ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલની પૂર્વ તૈયારીઓ અને સુસજ્જતાની સમીક્ષા કરી હતી.
VADODARA : કોરોનાની સંભવિત ત્રીજી લહેરના અનુસંધાને જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે શહેર આરોગ્ય તંત્ર,જિલ્લા આરોગ્ય તંત્ર અને ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલની પૂર્વ તૈયારીઓ અને સુસજ્જતાની સમીક્ષા કરી હતી તથા તમામ તંત્રો અને સુવિધાઓ તેમજ જરૂરિયાતોને વણી લેતો અહેવાલ સંકલિત રીતે તૈયાર કરવા સૂચના આપી હતી.બંને અધિકારીઓએ સયાજી હોસ્પિટલ ખાતે બેઠક યોજીને પરિસ્થિતિ અને સજ્જતાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન,સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયર,ગોત્રી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.વિશાલા,વિવિધ વિભાગોના વડાઓ, વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.સહિત વરિષ્ઠ તબીબો ઉપસ્થિત રહીને પોતાના વિભાગોની સજ્જતાની રૂપરેખા આપી હતી.તેના અનુસંધાને વર્તમાન સ્થિતિ અને જરૂરિયાતોનો સંકલિત અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.
વધુ જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે બેઠકમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડની સંખ્યા,કાર્યરત હાલત, ઉપલબ્ધ તબીબી સાધન અને ઉપકરણો,જરૂરિયાત સહિતની બાબતોનો સર્વગ્રાહી પરામર્શ કરવામાં આવ્યો હતો.
વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું કે બેઠકમાં મેડિકલ તેમજ અન્ય સહાયક મેન પાવરની પરિસ્થિતિ અને જરૂરિયાત,મેડિકલ ઇકવિપમેન્ટ, લોજિસ્ટિક વિષયક જરૂરિયાતો,બાળકો સંક્રમિત થાય તો તેમની સારવાર માટેની વ્યવસ્થાઓ,સમરસ હોસ્ટેલ ખાતે સેટેલાઇટ હોસ્પિટલ માટેની સજ્જતા જેવી બાબતોનો પરામર્શ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં 3 જાન્યુઆરીથી કિશોર રસીકરણ અભિયાન વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રે તરુણ રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારી રૂપે રસી મેળવવાને પાત્ર તરૂણોની સંભવિત સંખ્યાનું સર્વેક્ષણ પૂરું કર્યું છે અને હાલમાં જિલ્લામાં રસીકરણના કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.તા.3જી જાન્યુઆરી થી 15 થી 18 વર્ષની ઉંમરના તરુણોને કોરોનાથી બચાવવા રસી રક્ષિત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.
જિલ્લાની નગર પાલિકાઓ અને ગામોમાં તરુણ રસીકરણની સરળતા માટે 203 જેટલાં કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે તરુણોને કોવેક્સીન નો ડોઝ આપવામાં આવશે.પ્રત્યેક રસી લેનારને 0.5ml નો ડોઝ આપવામાં આવશે જે વયસ્કો જેટલો જ છે.
આ પણ વાંચો : DAHOD : જિલ્લામાં કોરોનાના કેસો વધતા પ્રશાસન એલર્ટ, બજારમાં ફરી અધિકારીઓએ કર્યું માસ્ક વિતરણ
આ પણ વાંચો : RAJKOT : ઓમિક્રોન અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે જાણો AIIMSના ડાયરેક્ટરે શું કહ્યું