વડોદરા કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણના ઓથા હેઠળ આડેધડ બ્રિજો મંજૂર કરી શરૂ કરવામાં આવેલા કામોનો વિરોધ શરૂ થયો છે. શહેરના વાસણા રોડ જંક્શન પર ડી-માર્ટ સર્કલ પાસે માત્ર 800 મીટરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવાના વિરોધમાં રહસ્યમય ક્રાંતિકારી સેના દ્વારા ‘આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો’ ‘પહેલા વ્યવસ્થા પછી વિકાસ’ના લખાણ વાળા પોસ્ટરો લગાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્યએ પણ આ બ્રિજનો વિરોધ કર્યો છે.
વડોદરા મહાનરપાલિકા દ્વારા બિનજરૂરી થોપી દેવામાં આવેલા વાસણા જંકશન ઉપર બનનાર બ્રિજનુ કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ એકત્ર થઇને મહાનગરપાલિકા કમિશનરની મુલાકાત લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ડી-માર્ટ સર્કલ પાસે પોસ્ટરો લગાવી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં પોતે મોદી તરફી અને ભાજપ વિરોધી હોવાનું તેમાં જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, હાલ ભાજપના મોટાભાગના હોદ્દેદારો દ્વારકાના પ્રવાસે છે, ત્યારે શહેરમાં પોસ્ટર વોર શરૂ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
મહાનરપાલિકા દ્વારા વાસણા રોડના ડી-માર્ટ જંક્શન અને સનફાર્મા રોડ-ભાયલીને જોડતા ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ કરતા વિરોધ શરૂ થયો છે. બંને બ્રિજ માટે અલગ-અલગ કારણોસર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં લોકોના સમર્થનમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ આવ્યા છે, છતાં તંત્ર દ્વારા નિર્ણય પરત લેવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા આ બ્રિજનો વિરોધ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો