વહેલી સવારે અમદાવાદમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીમી ધારે વરસ્યો મેઘ
Ahmedabad: હવામાન વિભાગની આગાહીના પગલે 1 ડિસેમ્બરે વહેલી સવારે શહેરમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો.
Ahmedabad: વહેલી સવારે અમદાવાદમાં કમોસમી (Unseasonal Rain) વરસાદ નોંધાયો હતો. ગત દિવસોમાં હવામાન વિભાગ (Weather forecast) દ્રારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ધીમી ધારે વરસાદ વરસ્યો. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ગામડાઓમાં પણ ધીમો વરસાદ જોવા મળ્યો. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સુભાષબ્રિજ, વસ્ત્રાપુર, રાણીપ, ઈન્કમ ટેક્સ, પાલડી સહિતના વિસ્તારમાં માવઠું વરસ્યું.
કમોસમી વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી હતી, એક બાજુ શિયાળાની ઠંડી અને તેમાં વરસાદ થતાં લોકો વધુ ઠંડીનો અહેસાસ કર્યો. જણાવી દઈએ કે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારના 5.30થી 6 સુધીના અડધા કલાકમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
નોંધનીય છે કે હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની આગાહી વ્યક્ત કરી હતી. જેમાં કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરને એલર્ટ અપાયુ છે. અમરેલી અને નવસારીમાં કેટલાક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. તો 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે.
તેમજ ખેડૂતો માટે પાક અંગે હવામાન વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામા આવી છે. પાકને સુરક્ષિત જગ્યા પર રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજયનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
તો આ વખતે પણ માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા છે. એક તરફ રવિ પાકની સિઝન છે અને એમાં વારંવાર માવ્થા થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ચોમાસાની ઋતુમાં પણ ખેડૂતોને નિરાશા જ સાંપડી છે. ચોમાસાની શરૂઆત બાદ ઘણા દિવસો સુધી મેઘાએ દર્શન ના દીધા. બાદમાં અચાનક ધોધમાર આવેલા વરસાદે કેટલાય ખેતરોને બેટમાં ફેરવી દીધા હતા. તો હવે માવઠાને લઈને પણ ખેડૂત ચિંતામાં જોવા મળી રહ્યો છે.