ખેડૂતો માટે ખુશખબર: જૂનની ઘટ જુલાઈમાં થશે પૂરી, રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદની આગાહી

ખેડૂતો માટે ખુશખબર: જૂનની ઘટ જુલાઈમાં થશે પૂરી, રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદની આગાહી
The meteorological department has forecast good rains in Gujarat in July

જુન મહિનાએ ધરતીપુત્રોને નિરાશ કર્યા પરંતુ જુલાઈમાં જૂનની ઘટ પૂર્ણ થવાની આશા બંધાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ થશે તેની આગાહી કરી છે.

Pratik jadav

| Edited By: Gautam Prajapati

Jul 13, 2021 | 9:46 AM

જૂન મહિનામાં મેઘરાજાએ ભલે ગુજરાતના ખેડૂતોને નિરાશ કર્યા હોય પણ જુલાઈ મહિનામાં મેઘરાજા ગુજરાતના ખેડૂતો નિરાશ નહિ થવા દે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂન મહિનામાં વરસાદે હાથ હાળી આપતા ખેડૂતોમાં વાવણી નિષ્ફળ જવાનો ભય ફેલાયો હતો પરંતુ જુલાઈ તેની ઘટ પૂરી થવાની સંભાવના છે. રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

જૂન મહિનામાં અરબી સમુદ્રમાં એકપણ વરસાદી સિસ્ટમ બની નહોતી જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ જૂન મહિનામાં જોવા મળી હતી પરંતુ જુલાઈ મહિનામાં ગુજરાતને વરસાદ આપે તેવી એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે. 12મી જુલાઈએ અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે જેને કારણે ગુજરાતને આગામી 5 દિવસ સારો વરસાદ મળશે.

આ વરસાદી સિસ્ટમ સિવાય ગુજરાત પર વધુ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેમાં એક ટ્રફ (trough) કચ્છથી લો પ્રેસર સુધી સર્જાયેલું છે જેને કારણે આગામી 2 દિવસ સુધી કચ્છ જિલ્લાને પણ સારો વરસાદ મળશે. તો બીજી એક વરસાદી સિસ્ટમ ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોન ( shear zone) છે જેને કારણે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાનું હળવું દબાણ જેને લો પ્રેસર પણ કહેવામાં આવે છે તે દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીક છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ સારો વરસાદ મળશે. સાથે જ આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ હવાના હળવા દબાણને કારણે ભારે વરસાદ વરસશે. જેનાથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે.

જૂન મહિનામાં રાજ્યમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે જેને કારણે ગુજરાતમાં હાલ 33 માંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદની ઘટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહી છે. 12 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં 39% જેટલા વરસાદની ઘટ જોવા મળી. જેને કારણે ખેડૂતો અને વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે. પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરથી ગુજરાત રાજયને ખૂબ સારો વરસાદ મળશે.

આ પણ વાંચો: Surat : બ્રિજ સીટીના બ્રિજમાં થશે વધારો, છ મહિનામાં જ સુરતમાં નવા ત્રણ બ્રિજ ખુલ્લા મુકાશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati