ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઈસમે બાતમીદારની હત્યા કરવા સગીરોને આપી સોપારી, જાણો શું છે સમગ્ર ઘટના
અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિએ બાતમીદારની હત્યા કરવાની સગીરોને સોપારી આપી હોવાની ઘટના સામેે આવી છે.
બે સગીર બાળકોને રૂપિયા આપી બાતમીદારને મારી નાખવા માટે સોપારી આપી હોવાની ઘટના સામે આવી છે. જોકે બંને સગીર દ્વારા પોલીસના બાતમીદારને માર મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસના બાતમીદારે પોતાના પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બે સગીર બાળકો સહિત મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તાર દાણીલીમડામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. દાણીલીમડા વિસ્તારમાં લઈક અંસારી નામનો આરોપી ડ્રગ્સ, દારૂ, નશાકારક સીરપ સહિતના ગેરકાયદેસર ધંધા ચલાવતો હતો. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતો આમીન કુરેશી નામનો વ્યક્તિ લઈક અંસારીનાં ગેરકાયદેસર ધંધાની માહિતી પોલીસને આપતો હોવાની શંકાને આધારે લઈક અંસારીએ આમીન કુરેશીને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.
લઈક અંસારીએ બે સગીર બાળકોને આમીન કુરેશીને મારી નાખવા સોપારી આપી હતી. લાઈક અંસારી અને અન્ય માણસો દ્વારા આમીન કુરેશીના અવરજવરના રસ્તાની રેકી પણ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે આમીન કુરેશી સવારે ઇન્દિરાનગરથી નીકળી તીનબત્તી થઈ તિરકમ ચાર રસ્તા પાસેથી જમાલપુર જતો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આમીન કુરેશી વહેલી સવારે ઘરેથી જે રસ્તા પરથી નીકળતો હતો ત્યાં જે જગ્યા પર સીસીટીવી કેમેરા લાગેલા ના હોય ત્યાં આમીન કુરેશી પર હુમલો કરવાની સોપારી બે સગીર બાળકોને આપવામાં આવી હતી.
કઈ રીતે બનાવ્યો પ્લાન
આરોપી લઈક અંસારીએ બંને સગીર બાળકોને નંબર પ્લેટ વગરનું એક બાઈક આપ્યું હતું. જેમાં બીજે દિવસે બંને સગીર બાળકો પાઇપ અને લાકડી લઈને આમીન કુરેશીનો પીછો કર્યો હતો. રસ્તામાં તેને માર માર્યો હતો. જે બાદ આમીન કુરેશીએ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આમીન કુરેશીને માર મરનાર યુવકોની તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી તપાસ કરતા પોલીસને બાઈક પર જઈ રહેલા બે યુવકો જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે બંને યુવકોને પકડી તેમની પૂછપરછ શરૂ કરી હતી. બંને સગીરોની પૂછપરછ કરતા તેમના માતા-પિતાની હાજરીમાં તેમણે ગુના અંગેની કબુલાત કરી હતી અને લઇક અંસારી દ્વારા તેમને સોપારી આપી હોવાની પણ કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે આરોપી લઇક અંસારીની ધરપકડ કરી છે.
સગીરોને આપ્યુ હતુ નંબર પ્લેટ વગરનું બાઈક
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે લઈક અંસારી દ્વારા બંને બાળકોને આમીન કુરેશીની હત્યા કરવા માટે ચાર હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને બાકીના રૂપિયા કામ થયા બાદ આપવાનો નક્કી કર્યું હતું. લઇક અન્સારીએ બંને સગીર બાળકોને મોબાઇલમાં આમીન કુરેશીનો ફોટો બતાવ્યો હતો તેમજ આમીન કુરેશી સવારે કયા રસ્તા પરથી નીકળે છે તેની માહિતી આપી અને આમીન કુરેશી વિશે વર્ણન કર્યું હતું. જે બાદ તેના ઘરની બાજુની શેરીમાં નંબરપ્લેટ વગરનું એક બાઈક રાખવામાં આવ્યું હતું. જે બાઈક પર બીજા દિવસે વહેલી સવારે બંને સગીર બાળકો નીકળી આમીન કુરેશીનો પીછો કરી તેને માર માર્યો હતો.
સમગ્ર પ્લાનમાં લઈક અંસારીએ સગીર બાળકોનો ઉપયોગ કર્યો હતો કેમકે જો પોલીસ ફરિયાદ થાય અને પકડાય તો બાળકોને જેલ જવું પડે નહિ અને સજા પણ ઓછી થાય.બીજી તરફ પોલીસે લઈક અંસારીનાં ભૂતકાળ વિશે તપાસ કરતા તેના વિરૂદ્ધ 11 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચુક્યા છે.
હાલ તો પોલીસે સમગ્ર ફરિયાદને આધારે બે સગીર બાળકો તેમજ મુખ્ય આરોપી લઈક અંસારીની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં ઉપયોગમાં લીધેલા હથિયારો પણ કબજે કર્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા લઇકના ઘરમાં તપાસ કરતાં ચાર લાખ રૂપિયા રોકડા તેમજ મોબાઇલ ફોન મળી આવતા તેને પણ કબજે કર્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે ખરેખર લઈક દ્વારા બંને બાળકોને આમીન અંસારીની સોપારી આપવામાં આવી હતી તેની પાછળનું કારણ આમીન પોલીસને બાતમી આપતો હોવાનું જ છે કે પછી અન્ય કોઈ કારણ ને લીધે તેની હત્યા કરવાનું પ્લાન બનાવ્યો હતો અને આ સમગ્ર બનાવવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ શરૂ કરી છે.