જાણો સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI જાડેજા વિશે, જેમની ગેડિયા ગેંગમાં ધાક છે
આજે ગુજરાત પોલીસ અને રાજ્યભરમાં તેમની બહાદુરીના ચર્ચા થઇ રહ્યા છે.કેટલાક લોકો તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.
SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામમાં બે કુખ્યાત આરોપીના પોલીસની ગોળીબારમાં મોત નીપજ્યા છે.આ ફાયરિંગ કરનાર PSI વી.એન.જાડેજા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.આજે ગુજરાત પોલીસ અને રાજ્યભરમાં તેમની બહાદુરીના ચર્ચા થઇ રહ્યા છે.કેટલાક લોકો તેમની બહાદુરીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો દ્વારા PSI જાડેજાના સમર્થનમાં પોસ્ટરો તૈયાર કરી શેર કરવામાં આવી રહ્યા છે.
કોણ છે PSI વી.એન.જાડેજા? PSI વી.એન.જાડેજાનું પુરૂ નામ વિરેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા છે.તેઓ વર્ષ 2017 ની બેંચના PSI છે.અત્યાર સુધીમાં તેઓએ ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર RR સેલમાં ફરજ બજાવી ચૂક્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા તેઓ સીટી A ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેમની બદલી માલવણ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.તેઓનું મૂળ વતન કચ્છ છે અને તેમની ઉંમર 34 વર્ષ છે.તેમની બેંચના PSI તેમની ફરજનિષ્ઠા અને ખુમારીને બિરદાવી રહ્યા છે.
ગેડિયા ગેંગ સામે PSI જાડેજાની કડક કાર્યવાહી માલવણ ખાતે બદલી થયા બાદ PSI જાડેજાના નિશાના પર ગેડિયા ગેંગ હતી.ચોરી,લૂંટ ધાડ, હત્યા,પોલીસ પર હુમલા જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેડિયા ગેંગ સામે PSI જાડેજાએ કડક કાર્યવાહી કરી હતી અને તેના નામ માત્રથી આ ગેંગના સાગરીતો ધ્રુજતા હતા.ગુજસીટોક સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હનિફખાન ઉર્ફે કાળુ ખાન અને તેના પુત્ર મદિનને જ્યારે પોલીસ પકડવા પહોંચી ત્યારે આ ગેંગે પોલીસ પર હુમલો કર્યો અને PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું.
ગેડિયા ગેંગ અને આ વિસ્તાર ખતરનાક માલવણ પોલીસ સ્ટેશનનો ગેડિયા ગામ અને તેની આસપાસના 15 જેટલા ગામનો વિસ્તાર ખતરનાક માનવામાં આવે છે.આ વિસ્તાર માલવણ પોલીસ સ્ટેશનનો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે અને અહીંના થાણા અધિકારી માટે આ વિસ્તાર પડકારજનક છે.અહીંના વિસ્તારને જતવાડ કહેવામાં આવે છે અહીં અનેક હિસ્ટ્રીશીટરો અને પોલીસ ચોપડે ચડી ગયેલા ગુનેગારો રહે છે અને પોલીસ પર હુમલો કરવો અને ફાયરિંગ કરવું સામાન્ય બાબત છે.
PSI જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ PSI વી.એન.જાડેજાએ એન્કાઉન્ટર કર્યા બાદ તેમના સમર્થનમાં પોસ્ટર વાયરલ થયું છે જેમાં PSI ની ખુમારી અને તેની હિંમતને બિરદાવવામાં આવી રહી છે.PSI જાડેજાની હિંમત તેના ધીર ગંભીર સ્વભાવને આવકારી રહ્યા છે અને તેને સમર્થન કરી રહ્યા છે.
આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો
આ પણ વાંચો : મોંઘવારીનો માર : ટીવીના શોખીનો માટે માઠા સમાચાર, આ તારીખથી લોકપ્રિય ચેનલ જોવા માટે કરવો પડશે વધુ ખર્ચ