અગરિયાઓની બેઠી માઠી દશા, માવઠાએ અગરિયાઓની મહેનત પર પાણી ફેરવી દેતા ₹30 કરોડનું નુકસાન – Video
માવઠાના મારથી આપણા ખેડૂતો ખૂબ જ પરેશાન છે. જો કે મીઠુ પકવતા અગરિયાઓની હાલત પણ સૌથી કફોડી બની ગઈ છે. કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા 7 દિવસની અંદર 30 કરોડ કરતા વધુનું નુકસાન થયુ છે. માવઠાના કહેરના કારણે આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં પણ મોટુ નુકસાન જવાની શક્યતા છે.
માવઠાને કારણે અગરિયાઓની લોહી-પાણી એક કરીને કરેલી મહેનત પર પાણી ફરી વળ્યુ છે. કમોસમી વરસાદે ન માત્ર ખેડૂતોની મુશ્કેલી વધારી છે. પરંતુ રાજ્યના અગરિયાઓ પર પણ સૌથી મોટી આફત તૂટી પડી છે. કાળી મજૂરી કરી લોકોની રસોઈમાં સ્વાદ લાવતા અગરિયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્ચના નાના પણમાં ભારે વરસાદને પગલે અગરિયાઓના પાટા ધોવાઈ ગયા છે. બીજી તરફ 30 કરોડ રૂપિયાની કિંમતનું મીઠુ રણમાં જ અટવાઈ પડ્યુ છે. સ્થિતિ એવી છે કે સફેદ મીઠુ પકવવા કાળી મજૂરી કરતા લગભગ 2500 જેટલા અગરિયાઓના મોં માં આવેલો કોળિયો છીનવાઈ શકે છે.
દેશના કુલ ઉત્પાદનના 76 ટકા મીઠાનું ઉત્પાદન એક માત્ર ગુજરાતમાં જ થાય છે અને તેમાંથી પણ 35 ટકા જેટલું મીઠું તો સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં જ પાકે છે. પરંતુ, માવઠાને પગલે અગરિયા સમુદાય ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હાલ ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 8 લાખ મેટ્રિક ટન મીઠું ખારાઘોડા ગંજે લાવવામાં આવ્યું છે. પરંતુ, હજુ 7 લાખ ટન મીઠું રણમાં જ અટવાઈ પડ્યું છે. એટલે કે લગભગ 30 કરોડની કિંમતના મીઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. કમોસમી વરસાદથી પાટા ધોવાતા અંદાજે એક-એક અગરિયા પરિવારનું 50 હજારની કિંમતનું મીઠું ધોવાઈ ગયું છે અને હજુ 15 થી 20 ટકા મીઠાનું ધોવાણ થઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા 4 થી 5 વર્ષથી માવઠાને પગલે અગરિયાઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર સત્વરે કોઈ મદદ કરે તેવી માંગ ઉઠી રહી છે.
કચ્છના નાના રણ તેમજ રણકાંઠાના વિસ્તારોમાં 3.5 ઈંચથી ચાર ઈંચ વરસાદ ખાબકતા મીઠા ઉદ્યોગની જાણે કમર તૂટી ગઈ છે. રણમાં જવા-આવવા માટે પાક્કો રસ્તો ન હોવાથી દર વર્ષે આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે. ત્યારે સરકાર સત્વરે પાકો રસ્તો બનાવે. તેવી પણ માંગ ઉઠી રહી છે. જેથી માવઠાની પરિસ્થિતિમાં બચી શકાય. તો મીઠાના વેપારીઓ દ્વારા સર્વાનુમતે મીઠાના ભાવમાં ટને રૂપિયા 300નો વધારો કરાયો છે. જેથી અગરિયાઓને મદદ મળી શકે. આ તરફ ભરૂચમાં પણ માવઠાના કારણે મીઠા કરતા ઉત્પાદકોનો આ વર્ષે 500 કરોડોનો ફટકો પડે તેવી શકયતાઓ છે.
ભરૂચ જિલ્લો દેશના મોટા મીઠા ઉત્પાદક પૈકીનો એક છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં અને તાજેતરમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદે કુલ ઉત્પાદનનાં 70 ટકા મીઠાને ધોઈ નાખ્યું હતું. ત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિયેશનના ઉપપ્રમુખ સુલતાન પટેલના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની મારના કારણે મીઠા ઉદ્યોગને 500 કરોડ રૂપિયાનો ફટકો પાડવાનો અંદાજ છે. હાલ માવઠાને કારણે મોટી નુકસાનીમાં મુકાયેલી અગરિયાઓની એક જ માંગ છે કે સરકાર સત્વરે આ અંગે કોઈ પગલાં લે. કોઇ રાહત પેકેજની જાહેરાત કરે. જેથી અણધારી આવેલી આ આફતમાંથી તેઓ બહાર આવી શકે.