આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જેમાં મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો પૈકી 5 બેઠકોમાં નામની જાહેરાત કરી છે, તેને જોતા આ જાતિગત સમીકરણ પર પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજમાં પણ જે રીતે પેટા જ્ઞાતિઓ છે, તેમાં ભાવનગરમાં તળપદા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે. જુનાગઢ બેઠક પર ઘેડિયા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે, સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે ત્યારે આગામી લોકસભાની ટિકીટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ચુવાળિયા કોળી સમાજને હંમેશાથી અન્યાય થયો છે. હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ચુવાળિયા કોળી છે, જ્યારે તે પહેલાના સાંસદ દેવજી ફતેપરા પણ ચુવાળિયા કોળી છે. ત્યારે આ બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને જ આપે તેવી માંગ કરાઇ છે.
એક તરફ સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજને આપવાની માંગ કરાઇ છે, ત્યારે ચુવાળિયા કોળી સમાજના અગ્રણી દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે. દેવ કોરડિયા સૌથી નાની વયના સરપંચ રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી છે. દેવ કોરડિયા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. યુવાઓને ટિકિટ ફાળવવાની નેમમાં દેવ કોરડિયાને ટિકીટ આપવામાં તેવી માંગ કરાઇ છે.
Published On - 5:06 pm, Tue, 19 March 24