રાજ્યનું હાલનું હવામાન એવું છે જોઈને લાગે છે કે જાણે કેટલાક જિલ્લામાં ઉનાળો જામ્યો જ નથી અને સીધું ચોમાસું જ આવી ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ગોંડલ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થાનો પર વરસાદની સાથે પવન તેમજ કરા પણ પડયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ આજે પણ યથાવત્ રહ્યો હતો. ક્યાંક વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક હળવા ઝાપટાં અને ક્યાંય ધોધમાર વરસાદ જોવા વરસ્યો હતો. જ્યારે કેટલાક એવા પણ વિસ્તારો હતા જ્યાં કરાં પડ્યા હતા. ચોમાસામાં પણ કોરાધાકોર રહેતા કચ્છમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.
કચ્છના મુખ્ય મથક ભુજમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી હતી અને 4 વાગ્યાથી 5-30 વાગ્યાની વચ્ચે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભુજમાં બે ઇંચ વરસાદથી બસ સ્ટેશન, વાણિયાવાડ ધનશ્યામ નગર સહીતના વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ કચ્છના રાપરમાં તો કરાં પણ પડ્યા હતા .
તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કરા પડ્યા હતા. તેમજ બજાણા ગામમાં ભારે કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે વાડી વિસ્તારમાં નદીની જેમ પાણી વહી નીકળ્યા હતા. ખંભાળિયાના કેટલાક ગામોમાં કરાં પડ્યા હતા અમરેલીમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદ થયો અને કરાં પડ્યા હતા. આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચમાં કેટલાક વિસ્તારો તો પાટણના નાના રણ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના પણ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વીજળીના કડાકા થયા અને વરસાદ પડ્યો હતો.
ગુજરાતના ખેડૂતો પર હજુ માવઠાનું સંકટ યથાવત રહેશે. રાજયમાં હજુ આગામી બે દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શકયતા છે. જયારે પંચમહાલના દાહોદ અને દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ કહેર વર્તાવશે. જ્યારે 21 માર્ચે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થતા 21 અને 22 માર્ચે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈને ખેડૂતોના ઉનાળુ પાક કેરી સહિતના પાકને મોટુ નુકસાન થવાની શકયતા છે.
આ પણ વાંચો: અંબાજીના દાંતા પંથકમાં બરફના કરા સાથે વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન