Surat : મેઇટેનન્સના અભાવે સ્માર્ટ સીટી સુરતની સીટી બસની હાલત બની ખખડધજ

ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે, કોરોના કાળમાં મોટાભાગની બસો બંધ હાલતમાં રહી હતી. બસના મેન્ટેનન્સની કામગીરી જે તે એજન્સી જાતે જ કરતી હોય છે.

  • Publish Date - 1:43 pm, Thu, 22 July 21 Edited By: Bhavesh Bhatti
Surat : મેઇટેનન્સના અભાવે સ્માર્ટ સીટી સુરતની સીટી બસની હાલત બની ખખડધજ
સુરતની સીટી બસની હાલત બની ખખડધજ

સુરત (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતમાં સિટીબસ અને બીઆરટીએસ બસ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2007 સુધી સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નહોતી.

ઘણાં વર્ષો પહેલાં જીએસઆરટીસી દ્વારા જે સીટી બસ ચલાવવામાં આવતી હતી તે ઘણા વર્ષો સુધી બંધ રહ્યા પછી શહેરના ખાનગી વાહનોની સંખ્યા વધી ગઈ હતી અને સમય જતા પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા વકરી હતી. તેવામાં માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તત્કાલીન મહાનગર પાલિકા કમિશનર એસ. અપર્ણાના પ્રયાસથી 2007 માં સિટી બસ સેવા મહાનગરપાલિકાએ શરૂ કરી હતી.

એક બાજુ મહાનગરપાલિકાનું તંત્ર સ્માર્ટ સિટીની વાતો કરે છે, ત્યારે શહેરમાં ઘણી સીટી બસ (Surat City Bus) એવી છે જે ભંગાર હાલતમાં જ  દોડી રહી છે અને મુસાફરોને અકસ્માતના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો છે. તેમાં પણ કોરોના સમયમાં મનપાના સિટી બસના મેન્ટેનન્સને પણ ગ્રહણ લાગ્યું હોય તેમ અત્યારે 30% બસ તો એવી હાલતમાં છે કે જો આરટીઓના નિયમ મુજબ તેનું ચેકિંગ કરવામાં તો આ બસોને રસ્તા પર દોડવા માટે પરવાનગી પણ નહીં મળી શકે.

તેમ છતાં આ બસો શહેરના માર્ગો પર દોડી  રહી છે અને કોન્ટ્રાક્ટરને ફક્ત કમાણી કરવામાં રસ હોય તે પ્રકારે બસની જાળવણીમાં બેદરકારી બતાવવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા હાલ જુદા જુદા રૂટ પર કુલ 575 સીટી બસ દોડાવવામાં આવી રહી છે. જેમાંથી 30 ટકા બસની હાલત બિસ્માર અને ખખડધજ છે. જેને રસ્તા પર દોડાવવા માટે પરવાનગી પણ મળી શકે તેવી હાલત  નથી. જ્યારે બાકીની બસો પૈકી અનેક બસમાં આગળ પાછળ રૂટ બતાવવા માટે લગાવવામાં આવતા એલઇડી બોર્ડ પણ ચાલતા નથી. તેથી હાથ વડે ચોકથી રૂટના નામ લખવામાં આવ્યા છે જેને લોકો બરાબર વાંચી પણ શકતા નથી.

તેમજ ઘણી બસોના દરવાજા તૂટેલી કન્ડિશનમાં છે. કેટલીક બસના કાચ તૂટેલા છે, તો કેટલીક બસ એવી પણ છે કે જેના દરવાજા પણ યોગ્ય રીતે  બંધ થઇ શકતા નથી.

ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકનું કહેવું છે કે, કોરોના કાળમાં મોટાભાગની બસો બંધ હાલતમાં રહી હતી. બસના મેન્ટેનન્સની કામગીરી જે તે એજન્સી જાતે જ કરતી હોય છે. તેમજ બસના ડિસ્પ્લે વગેરેના મેઇન્ટેનન્સ પણ અન્ય એજન્સી કરતી હોય છે. હાલમાં ઘણી એજન્સીઓના મેન્ટેનન્સના ઘણા પાર્ટ્સ બહારથી મંગાવવાના હોય છે. પરંતુ કોરોનાના કારણે ટ્રાન્સપોર્ટેશન શક્ય બન્યું નથી અને કામગીરી અટવાઇ છે જે ટૂંક સમયમાં સુધારી દેવાશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati