Surat: મનપાના શાસકો આ તરફ પણ જરા નજર કરે! કાપોદ્રાના સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર
વિપક્ષનો આરોપ છે કે મોન્સૂન સિઝન શરૂ થવાની છે પરંતુ હજી પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થઈ શકી નથી. બીજી તરફ શાસકો કહી રહ્યા છે કે પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થવાના આરે છે.
સુરતના પુણા અને સીમાડા વિસ્તારની ખાડીઓને લઈને વિપક્ષ અને શાસક વચ્ચે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે મોન્સૂન સિઝન શરૂ થવાની છે પરંતુ હજી પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થઈ શકી નથી. ભાજપ શાસકોની નબળાઈને કારણે તેમને પોતે ખાડી સફાઈ કરવા ઉતરવું પડ્યું છે. બીજી તરફ શાસકો કહી રહ્યા છે કે પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થવાના આરે છે.
લોકોની ફરિયાદ છે કે આમ આદમી પાર્ટી પણ સફાઈના નામ પર ફક્ત ફોટો સેશન જ કરાવી રહી છે. જોકે આ બધા વચ્ચે વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાંથી પસાર થતી ખાડી કચરાનો ઢગ બની ગઇ છે. આ દ્રશ્યો જોઇને કલાપીની પંક્તિ કેટલાક ફેરફાર સાથે લેવાનું મન થાય એમ છે, કે “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં કચરાની”.
ખાડીમાં કચરો જ કચરો
પુણા વિસ્તારના વોર્ડ નંબર 16 અને 17માંથી પસાર થતી ખાડીમાં કચરો જ કચરો ભરેલો છે. જેની અત્યાર સુધી કોઈ સફાઈ થઈ શકી નથી. આ જ રીતે પાસોદ્રા, કઠોદરાથી સરથાણા, સીમાડા, નાના વરાછા, પુણા, કાપોદ્રા, કરંજ, વિવેકાનંદ સોસાયટી, હસ્તિનાપુર સોસાયટી, પ્રભુ દર્શન સોસાયટી, સહયોગ સોસાયટી, ઇશ્વરકૃપા સોસાયટી જેવી જગ્યાઓ પર પણ હજી સુધી ખાડી સફાઈ થઈ નથી.
લોકોની ફરિયાદ છે કે મનપા દ્વારા યોગ્ય સફાઈ નહીં
ગયા વર્ષે પણ આ વિસ્તારમાં ખાડી પુર આવ્યું હતું જેના કારણે લોકોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લોકોની ફરિયાદ છે કે મનપા દ્વારા યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે દર વર્ષે આ જ હાલ હોય છે.
ખાડીઓનું ન તો ડ્રેજિંગ થાય છે ન તો સફાઈ. જેના કારણે નજીવા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે.
આ પણ વાંચો: Surat: સરથાણા ઝૂમાં વાઘ વાઘણની જોડી તૂટી, સર્પડંખથી વાઘણનું મોત થયું હોવાનું અનુમાન
આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા