Surat: ત્રણ વર્ષની દીકરીને સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપી હીરા વેપારી પાસેથી 3.10 લાખ રૂપિયા પડાવી લીધા
અલગ અલગ ટીવી શોમાં કામ માટેના રજીસ્ટ્રેશન પેટે વારંવાર રૂપિયા લઈ લીધા બાદ અક્ષય કુમારની ફિલ્મમાં કામ મળ્યું હોવાથી પોર્ટફોલિયો બનાવવાના અને રજીસ્ટ્રેશન માટેના વધુ રૂપિયા ભરાવ્યા બાદ ફોન બંધ કરી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
સુરત (Surat) ના કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વેપારીની પત્નીએ ત્રણ વર્ષની પુત્રીને સીરીયલ (serials) અને ફિલ્મો (films) માં કામ કરાવવાની લાલચમાં રૂ.3.10 લાખ ગુમાવ્યા છે. ફેસબુક પર જાહેરાત જોયા બાદ સંપર્ક કરતા ચેનલ તેમજ અક્ષયકુમારની ફિલ્મમાં દીકરીની પસંદગી થઈ છે કહીને વિવિધ ચાર્જ પેટે પૈસા પડાવી લેવાયા હતા.
જેમ જેમ સમય જઈ રહ્યો છે ત્યારે ઠગ બાજો ભેજુ વાપરીને ગુનાને અંજામ આપતા હોય છે કોઈ નવી નવી સ્કીમો લાવી કે વાતોમાં ભોળવીને છેતરપિંડી કરતા હોય છે ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના ઉમરાળાના ધોળા ના વતની અને સુરતમાં કતારગામ જે.કે.પી.નગરની સામે ડી.એમ. પાર્ક સોસાયટી ઘર નં.38 માં રહેતા ચીંતનભાઇ રમેશભાઇ નાવડિયા કતારગામ ગોટાલાવાડી બજરંગ કોમ્પલેક્ષમાં હીરાનો વેપાર કરે છે. તેમના પત્ની તોરલબેનને એક માત્ર પુત્રી મિસ્વાને સીરીયલ અને ફિલ્મોમાં કામ કરાવવાની ઈચ્છા હોય તે ફેસબુક પર કિડસ કાસ્ટિંગ અપટેડસ નામના ગ્રુપમાં જોડાયા હતા.
દરમિયાન, ગત 7 જાન્યુઆરીના રોજ નિધિ કપૂર નામની આઈડી પરથી એક અપડેટ તે ગ્રુપમાં મૂક્યું હતું કે કાસ્ટિંગ ફોર એમેઝોન પ્રાઈમ અને તેમાં તેનો નંબર લખ્યો હતો. આથી તોરલબેને તેને વ્હોટ્સએપ મેસેજ કરી વાત કરતા નિધિએ સૌરવ શ્રીવાસનો કોન્ટેક્ટ કરવા કહી તેનો નંબર આપ્યો હતો.
તોરલબેને સૌરવ શ્રીવાસનો ફોન પર સંપર્ક કરતા તેણે પોતાની ઓળખ કાસ્ટિંગ ક્રિએટીવ હેડ તરીકે આપી તોરલબેનને પુત્રીના ફોટા મોકલવા કહેતા તેમણે ફોટા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ સૌરવે તોરલબેનને ફોન કરી સબ ટીવી પર નાના છોકરાઓનો પ્રોગ્રામ આવવાનો છે તેમાં તમારી છોકરીને સિલેક્ટ કરી છે કહી રજીસ્ટ્રેશનના રૂ.45 હજાર પૈકી રૂ.25 હજાર હાલમાં અને બાકીના રૂ.20 હજાર કન્ફર્મેશન લેટર આવ્યા બાદ ભરવા કહ્યું હતું.
તોરલબેને રૂ.25 હજાર સૌરવના એકાઉન્ટમાં ભર્યા હતા છતાં કંફર્મેશન લેટર આવ્યો નહોતો. આ અંગે પૂછતાં સૌરવે પ્રોડકશન હાઉસ બધું પેમેન્ટ માંગે છે તેમ કહેતા તોરલબેને બાકીની રકમ પણ ભરી હતી, છતાં લેટર આવ્યો નહોતો. ત્યાર બાદ સૌરવે તોરલબેનને ફોન કરી સ્ટાર પ્લસના શોમાં જોડાવા માટે બીજા રૂ.60 હજાર ભરાવ્યા હતા. ત્યાર બાદ સબ ટીવીના શોમાં બીજા રૂ.40 હજાર અને સ્ટાર પ્લસના શોમાં રૂ.25 હજાર ભરાવ્યા હતા. આટલી રકમ ભરવા છતાં સૌરવ તોરલબેનને કન્ફર્મેશન લેટર અંગે યોગ્ય જવાબ આપતો નહોતો.
ત્યાર બાદ સૌરવે 22 જાન્યુઆરીના રોજ તોરલબેન પાસે પોર્ટફોલીયો ચાર્જ પેટે રૂ.65 હજાર ભરાવી અક્ષયકુમારની રક્ષાબંધન મુવી માટે તમારી છોકરી સિલેક્ટ થઈ છે તેમ કહી તેના માટે રૂ.75 હજાર ભરાવ્યા હતા. રૂ.3.10 લાખ ભરાવવા છતાં સીરીયલ કે ફિલ્મમાં કામ નહીં આપનાર સૌરવને તોરલબેને વારંવાર પૂછ્યું ત્યારે તેણે શરૂઆતમાં ફોન ઉપાડવાનું બંધ કરી બાદમાં ફોન જ બંધ કરી દીધો હતો.
આથી તોરલબેને આ અંગે નિધિ કપૂર અને સૌરવ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ તપાસ પીઆઈ ટી.આર.ચૌધરી કરી રહ્યા છે.જે આઈડી અને નંબર હતો તેના આધારે ટેક્નિકલના આધારે સાયબર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ
આ પણ વાંચોઃ Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા