Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ
આ વર્ષનો ચૂંટણી મુદ્દો રામ મંદિર પણ જોવા મળશે. ભાજપ દ્વારા આ મુદ્દાને જ લઈને લોકો વચ્ચે જવામાં આવશે એ નક્કી છે ત્યારે સુરતના વેપારીઓએ પણ તેમાં સુર પૂરાવવા આ કીમિયો અજમાવ્યો છે.
ભારતના પાંચ રાજ્યોમાં ભલે ચૂંટણીનો (Election) માહોલ સર્જાયો હોય પણ તેનો રંગ ટેક્સ્ટાઇલનું (Textile) હબ ગણાતા સુરતમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં વેપારીઓ ચૂંટણી વખતે ઘણી ચૂંટણી સામગ્રીઓ તૈયાર કરતા હોય છે. જેમાં સાડી, ડ્રેસ, ટોપી, મફલર, ખેસ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે યુપીમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના વેપારીઓ દ્વારા ખાસ અયોધ્યા (Ayodhya) થીમ પર સાડીઓ તૈયાર કરવામાં આવી છે.
નોંધનીય છે કે કરોડો દેશવાસીઓની શ્રદ્ધા અને લાગણી રામ મંદિર સાથે જોડાયેલી રહી છે. 70 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. ત્યારે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આપીને સુરતના કાપડ માર્કેટના વેપારીઓએ પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા વાળી થ્રિ ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે.
આવી 1 હજાર જેટલી સાડીઓ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં મહિલાઓને મફતમાં આપવામાં આવનાર છે. આ સાડીઓ તૈયાર કરનાર વેપારી લલિત શર્મા કહે છે કે કરોડો દેશવાસીઓનું સપનું રામ મંદિર બનવાથી પૂર્ણ થયું છે અને એટલા માટે અમે સ્લોગન વાળી સાડીઓ તૈયાર કરાવી છે જેમાં અમે લખ્યું છે કે જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે, યુપી મેં ભગવા ફિર સે લહેરાયેંગે.
આ સાડીઓના પલ્લું પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેની સાથે સ્લોગન લખવામાં આવ્યું છે. વેપારીઓએ ઉમેર્યું હતું કે અમે યુપીમાં ફરી યોગી સરકાર જોવા માંગીએ છીએ. નોંધનીય છે કે અન્ય રાજ્યોમાં જયારે પણ ચૂંટણી હોય છે ત્યારે મોટાભાગની સામગ્રીઓ સુરતમાં તૈયાર થતી હોય છે. પરંતુ આ વખતે વેપારીઓ અલગ રંગમાં રંગાયેલા છે.
જેમાં આ વર્ષનો ચૂંટણી મુદ્દો રામ મંદિર પણ જોવા મળશે. ભાજપ દ્વારા આ મુદ્દાને જ લઈને લોકો વચ્ચે જવામાં આવશે એ નક્કી છે ત્યારે સુરતના વેપારીઓએ પણ તેમાં સુર પૂરાવવા આ કીમિયો અજમાવ્યો છે. વેપારીઓના કહેવા પ્રમાણે હાલ તેઓ 1 હજાર સાડીઓ મફતમાં આપશે અને તે પછી ઓર્ડર મળશે તે રીતે તૈયાર કરીને મોકલાવશે.
આ પણ વાંચો : Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ
આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન