Surat : વર્ષ 2021ની સુરતની એ ખબરો, જે આખું વર્ષ રહી ટોક ઓફ ઘી ટાઉન
સુરત શહેરમાં 2021ના વર્ષમાં અનેક એવી સારી નરસી ઘટના બની કે જે સમગ્ર વર્ષ દરમિયાન સુરતમાં ટોક ઓફ ધ ટાઉન રહેવા પામી હતી. આ ઘટનાઓ ઉપર કરીએ એક નજર.
વર્ષ 2021 સુરત (Surat ) માટે ઘણા સારા (Good ) અને ખરાબ (Bad ) સમાચારો સાથે વીત્યું છે. આખું વર્ષ કોરોનાથી લોકોને આરોગ્યની રીતે પરેશાન કરનારું રહ્યું છે, તો બીજી તરફ સુરત શહેર માટે ઘણી રીતે નવું નજરાણું પણ લઈને આવનારું બની રહ્યું છે. આજે સુરતના એવા 10 મોટા સારા અને માઠા સમાચારો પર નજર કરીશું, જે આખું વર્ષ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા છે.
ક્રાઇમ :
1). આ વર્ષ સુરતમાં કેટલીક બાળકીઓ માટે ઘાત સમાન સાબિત રહ્યું. શહેરના ઔધોગિક વિસ્તારોમાં હવસખોરોએ બાળકીઓને પોતાની વાસનાનો શિકાર બનાવી. જેમાંથી સૌથી ચર્ચાસ્પદ બનાવ શહેરના પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે નરાધમ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અને તે પછી તેની નિર્મમ હત્યા પણ કરી નાંખવામાં આવી હતી. દિવાળીની રાત્રે જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. જેના 72 કલાક બાદ બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
2). જોકે દુષ્કર્મ કેસમાં સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા દાખલો બેસે તે રીતે ઝડપી સજા પણ ફરમાવવામાં આવી છે. 10 જ દિવસમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યા કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. પાંડેસરાની અઢી વર્ષની બાળકીના તેમજ ભેસ્તાનમાં પાંચ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યા કેસમાં સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી.
રાજકીય :
3). ગુજરાત અને સુરતની રાજનીતિ માટે યુ ટર્ન ત્યારે આવ્યો જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી વાર કોંગ્રેસને પછડાટ આપીને આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ જીત મેળવી હતી. પાટીદાર વિસ્તારોમાં આપ પાર્ટીને જંગી લોકસમર્થન મળ્યું હતું. જેના કારણે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર વિપક્ષમાં આપ પાર્ટીના સભ્યો બેઠા છે. રાજકીય રીતે તે ગુજરાતમાં એક પરિવર્તનનો યુ ટર્ન માનવામાં આવી રહ્યો છે. જેની અસર આવનારા દરેક ઈલેક્શન પર જોવા મળશે.
4). ગુજરાતના મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો, જયારે સુરતના ચાર ધારાસભ્યો અને દક્ષિણ ગુજરાતના ત્રણ ધારાસભ્યોને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળ્યું છે. જેમાં બે કેબિનેટ અને પાંચ રાજ્યકક્ષાના મંત્રી છે. એટલું જ નહીં સુરતના સાંસદ જેમાં દર્શના જરદોશને કેન્દ્રમાં રાજ્યકક્ષાના રેલવે અને ટેક્ષટાઇલ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવાતા સુરતનું રાજકીય રીતે વજન વધ્યું છે.
સુરત શહેર :
5). 2015માં ખાતમુહૂર્ત કરાયા બાદ માત્ર પાંચ ટકા માટે અટકેલા પાલ ઉમરા બ્રીજનું લોકાર્પણ પણ આ વર્ષે જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ તાપી નદી પરનો 14મોં અને શહેરનો 115મોં બ્રિજ બન્યો છે. જે ખુલ્લો મુકાવાથી શહેરના પાલ અને ઉમરા છેડેના અંદાજે 10 લાખ લોકોને ટ્રાફિકના ફેરાથી મુક્તિ મળી છે.
6). કેન્દ્ર સરકારે સુરતને 12,114 કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 5 વર્ષમાં આ પ્રોજેકટ પૂરો કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. 40 કિ.મી.ની લંબાઈના આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને બે કોરિડોરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેના માટે શહેરના ઘણા રસ્તાઓ 1 વર્ષ માટે બંધ કરીને આ મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મનોરંજન
7). વિકાસના કામોની સાથે સાથે શહેરીજનોને નવું નજરાણું મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો સતત ચાલુ રહ્યા છે. સુરતના પાર્લે પોઇન્ટ, પાલ અને વેસુ વિસ્તારમાં બ્યુટીફીકેશન સાથેના વોક વે અને સાઇકલ ટ્રેક સુરતીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. સાથે જ ડુમસ સી ફેસ ડેવલપેમન્ટનું કામ પણ અંશતઃ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે સુરત માટે હરવા ફરવાના સ્થળમાં ઉમેરો કર્યો છે.
8). સુરત શહેરના વનિતા વિશ્રામ ખાતે 10 દિવસ સુધી યોજવામાં આવેલા હુનર હાટમાં 17 લાખ સુરતીઓએ 20 કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરતાં મોટા ભાગના સ્ટોલ ધારકોનો માલ – સામાન પણ આઉટ ઓફ સ્ટોક જોવા મળ્યો હતો. રાજ્યમાં સુરત પહેલા અમદાવાદ ખાતે બે વખત હુનર હાટનું આયોજન થઈ ચુક્યું છે પરંતુ જે રીતે સુરતમાં હુનર હાટના કાર્યક્રમને અપાર સફળતા સાંપડી છે તે જોતાં આયોજકો હવે નજીકના ભવિષ્યમાં વધુ એક વખત શહેરમાં હુનર હાટના આયોજન કરવામાં આવે તેમાં કોઈ બેમત નથી.
મેડિકલ
9). કોરોનાનો આ સમયગાળો શહેર માટે ખુબ મુશ્કેલ સાબિત થયો હતો. જયારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થવા માટે હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. એક સમય એવો પણ આવ્યો હતો. જયારે બંને હોસ્પિટલોની બહાર સિક્યોરિટી મૂકી દેવામાં આવી હતી. અને દર્દીઓને ખાનગી હોસ્પિટલોના ધક્કા ખાવા પડ્યા હતા. ત્યાં પણ સારવારના અભાવે ઘણા દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે સ્મશાનો બહાર પણ વેઇટિંગ જોવા મળતું હતું.
10). સુરતમાં પહેલી જ વાર એક પુરુષમાંથી એક સ્ત્રીનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું હતું.. મુંબઈમાં રહેતા એક યુવકને સુરતના તબીબોની ટિમ દ્વારા તેને સંપૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરવામાં આવી હતી.. અત્યાર સુધી આ સર્જરીઓ અલગ અલગ કરવામાં આવતી હતી. જયારે લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શક્ય બનતી હતી. પણ સુરતમાં પહેલીવાર તબીબોના પ્રયાસથી આ શક્ય બન્યું હતું. જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી સુરતમાં જ શક્ય બની છે.
આ પણ વાંચો : વધતા જતા કોરોના વચ્ચે સુરત આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું શું કરી છે તૈયારીઓ
આ પણ વાંચો : Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે