વધતા જતા કોરોના વચ્ચે સુરત આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર, જાણો શું શું કરી છે તૈયારીઓ

સુરત પર ફરીએકવાર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. દિવાળી બાદ શાળાઓ શરૂ થતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. તો તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 28, 2021 | 10:55 AM

Corona in Surat: આ તરફ સુરત પર ફરીએકવાર કોરોનાનું (Corona) સંકટ તોળાઈ રહ્યું છે. દિવાળી (Diwali) બાદ શાળાઓ (Schools) શરૂ થતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની (Corona In Students) ઝપેટમાં આવી રહ્યા છે. નવેમ્બર મહિનામાં 6 જેટલા કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ નોંધાયા અને એક મહિનામાં તો 6 ગણો વધારો થઈ ગયો. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે સુરતમાં સ્થિતિ શું છે અને તૈયારીઓ કેવી છે?

શાળા શરૂ થતી વખતે જ શાળા સંચાલકો અને વાલીઓને ચિંતા હતી કે, કોરોના સંક્રમણમાં પોતાના બાળકો ન આવે. પરંતુ સ્થિતિ ધીરે ધીરે વધુ ગંભીર થતી હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર મહિનાની સરખામણીમાં ડિસેમ્બર મહિનામાં જે રીતે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તે જોતા સ્વાભાવિક રીતે જ ચિંતાનું વાતાવરણ છે.

વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતાં હવે આરોગ્ય વિભાગે 15 થી 18 વર્ષના બાળકોની યાદી તૈયાર કરવા તાકીદ કરી છે. ત્યારબાદ ઝડપથી તરૂણોનું વેક્સિનેશન પણ શરૂ કરાશે. શાળામાં પણ સતત કોરોના ટેસ્ટીંગ શરૂ કરાયું છે. આ સિવાય શહેરમાં 94 જેટલા વિસ્તારો ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

વિવિધ ટિમો બનાવી કોર્પોરેશન દ્વારા રાત્રીના સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં કોર્પોરેશનનું ચેકિંગ રહેશે. અને નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ સજ્જ કરી દેવાઈ છે. સ્ટેમસેલ બિલ્ડિંગમાં 1 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગંભીર દર્દીઓ માટે 120 બેડનું આઈસીયુ પણ તૈયાર કરાયું છે. ઓમિક્રોનના દર્દી માટે પાંચમાં માળે 50 વેન્ટિલેટર બેડ અને સાતમા માળે બાળકો માટે 126 બેડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓને સારવાર આપવા કુલ 852 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જે પૈકીના 100 જેટલા બગડેલા વેન્ટીલેટરનું તાત્કાલિક સમારકામ હાથ ધરાયું છે.

આમ આ વખતે કેસ વધવાની સાથે જ તંત્ર એલર્ટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે સૌથી પહેલાં તો કોરોના વધુ ફેલાય નહીં અને માનો કે સંક્રમણ હજી વધે તો પણ યોગ્ય સારવાર લોકોને મળી રહે.

 

આ પણ વાંચો: Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં કડક કાર્યવાહી, અગાઉ બે વાર પેપર લીક કર્યા હોવાની આશંકા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati