Surat: ગુરુવારે રજૂ થશે સુરત મહાનગરપાલિકાનું મહા બજેટ, નવા પ્રોજેક્ટ સામેલ થવાની સંભાવના ઓછી
આ બજેટમાં નવા કોઈ મોટા પ્રોજેક્ટને સામેલ નહીં કરીને જે જુના પ્રોજેક્ટ છે, તેને જ પૂર્ણ કરવા માટે ભાર મુકવામાં આવશે. છેલ્લા 2 વર્ષના કામો જે પૂર્ણ નથી થયા તેને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સુરત (Surat ) મનપાનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ (Draft Budget) આગામી 27 જાન્યુઆરીએ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની દ્વારા શહેરીજનો સમક્ષ રજૂ કરવામાં આવશે . મનપાનું વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટનું કદ 7 હજાર કરોડની આસપાસ રહેવાની સંભાવના છે. ગત વર્ષે 6,600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી બજેટમાં કોઈપણ પ્રકારનો કરદરમાં વધારો થશે નહીં તે નિશ્ચિત છે. છેલ્લે મનપા દ્વારા વર્ષ 2018-19માં કરદરમાં વધારો કરાયો હતો, આગામી 27 જાન્યુઆરીએ મનપા કમિશનર દ્વારા રજૂ થનાર ડ્રાફ્ટ બજેટમાં કોઇ વિશેષ મહાકાય નવા પ્રોજેક્ટો સામેલ થવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે.
મોટાભાગના નિર્માણાધિન અને પાઈપલાઈન હેઠળના પ્રોજેક્ટો પૂર્ણ કરવા તેમજ તેને આગળ ધપાવવા પર જ બજેટમાં ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે. કેપિટલ બજેટ માટે 3 હજાર કરોડથી વધુની જોગવાઈ સૂચવવામાં આવી શકે છે, ખાસ કરીને મહત્વકાંક્ષી વહિવટીભવન તથા કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે જંગી જોગવાઈ બજેટમાં સૂચિત કરવામાં આવે તેવી સંભાવના છે.
કયા કામો હજી પણ કાગળ પર ?
–જલકુંભીની સમસ્યા ઉકેલવા માટે તાપી નદીના પટમાં ડ્રેજીંગ કરીને પાણીની વહન શક્તિ વધારવા માટેનું કામ હજી પણ કાગળ પર જ છે. –તાપી નદીને પ્રદુષિત થતી અટકાવવા માટે આઉટલેટ બંધ કરવાની વાત પણ કાગળ પર –ડામર રોડને કોંક્રિટના કરવાનું કામ
કયા કામો પ્રગતિ હેઠળ?
–નવા સમાવિષ્ટ ગામો અને નગરપાલિકાના વિસ્તારમાં ડ્રેનેજ પાણી નેટવર્કના કામ –ડ્રીમ સિટીમાં ડાયમંડ આકારનો એન્ટ્રન્સ ગેટ બનાવવાનું કામ –સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરતને સોલિડ વેસ્ટ, ગાર્બેજ કલેક્શન, વેસ્ટ ડિસ્પોઝેબલ સાઈટ, ડ્રેનેજ, વોટર વર્કસના કામ –કિલ્લાનું બીજા તબક્કાનું રિસ્ટોરેશન, ગોપી તળાવ એક્સ્ટેન્શન –ઈલેક્ટ્રિક બસો શરૂ કરીને ચાર્જિંગ સ્ટેશન વિસ્તારવાની કામગીરી –દર 50 હજારની વસ્તીએ એક શહેરી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સાથે ઈન્ટીગ્રેટેડ હેલ્થ કેર અમલી બનાવવું.
જોકે આ બજેટમાં નવા કોઈ મોટા પ્રોજેક્ટને સામેલ નહીં કરીને જે જુના પ્રોજેક્ટ છે, તેને જ પૂર્ણ કરવા માટે ભાર મુકવામાં આવશે. છેલ્લા 2 વર્ષના કામો જે પૂર્ણ નથી થયા તેને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પણ વાંચો :Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત
આ પણ વાંચો : Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ