Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ
કોરોના સંક્ર્મણ દરમ્યાન એક જ બેંકમાં અસંખ્ય કર્મચારીઓ સંક્રમિત થવાના બનાવો પણ બન્યા હતા. શહેરની ઘોડદોડ રોડ, વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બેંકમાં એક સાથે પંદરથી વધારે બેન્ક કર્મચારીઓ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા ઘણી ગાઈડલાઈન (Guideline) બનાવવામાં આવી છે અને આ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સુરત (Surat) શહેરમાં મનપા દ્વારા જે – તે ક્ષેત્રની સંસ્થાઓને સુરક્ષા કવચ સમિતિ બનાવવા માટે સૂચના આપી છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતાં જ આ સમિતિઓને ફરી રિએક્ટિવ કરી કોવિડની તમામ એસ.ઓ.પી.નું પાલન કરવા માટેની સૂચના અપાઈ હતી અને સુરત મનપાના કોવિડ પોર્ટલ (Covid Portal) પર તમામ અપડેટ આપવા માટે પણ સૂચના અપાઈ છે.
પરંતુ ઘણી સંસ્થાઓ મનપાની સૂચનાઓનો અનાદર કરી રહી છે. સેન્ટ્રલ ઝોનમાં સોમવારે મનપાના ડે.કમિશનર સ્વાતિ દેસાઈએ વિવિધ બેંકોમાં ચેકિંગ કરતાં માલૂમ પડ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં 40 જેટલી બેંકની બ્રાંચ દ્વારા કોવિડ પોર્ટલ પર અપડેટ આપવામાં આવતી નથી. જેથી ડે.કમિશનર સ્વાતિ દેસાઈ દ્વારા આ તમામ બ્રાંચને નોટિસ ફટકારવામાં આવી હતી.
કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણ અટકાવવા માટે સરકારની વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરક્ષા કવચ સમિતિ બનાવાઈ છે. જેને હાલ ફરીવાર રિએક્ટિવ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કોવિડ -19 પોર્ટલ ઉપર બેંકો દ્વારા રોજેરોજ જવાબદાર વ્યક્તિએ ભૂલ્યા વગર એન્ટ્રી કરવાની રહે છે અને કોવિડ એસઓપી – ગાઈડલાઈનનું ચુસ્તપણે તમામ બેન્કો દ્વારા પાલન કરવાનું હોય છે.
હાલમાં શહેરમાં ડે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધી રહેલી કોવિડની પરિસ્થિતિ ધ્યાને લેતાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બેન્કો દ્વારા સુરક્ષા કવચ સમિતિમાં નિયમિતપણે એન્ટ્રી કરવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેમાં એન્ટ્રી ન થતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર સ્વાતિ દેસાઈએ કોવિડ સંક્રમણ અટકાવી શકાય એ માટે વેક્સિનેશન ઉપરાંત કોવિડ અંગેની માહિતી સુરત મહાનગરપાલિકાના પોર્ટલ પર રોજેરોજ એન્ટ્રી ન કરતાં 40 જેટલી બેન્ક બ્રાંચને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા બાબતે નોટિસો આપવામાં આવી હતી.
નોંધનીય છે કે કોરોના સંક્ર્મણ દરમ્યાન એક જ બેંકમાં અસંખ્ય કર્મચારીઓ સંક્રમિત થવાના બનાવો પણ બન્યા હતા. શહેરની ઘોડદોડ રોડ, વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી બેંકમાં એક સાથે પંદરથી વધારે બેન્ક કર્મચારીઓ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat: કોરોનાની ગંભીર સ્થિતિ ન હોય પહેલી ફેબ્રુઆરીથી 1થી 9ની શાળા રાબેતા મુજબ શરૂ કરવા માંગ
આ પણ વાંચો : Budget 2022: આ બજેટમાં સુરત માટે ટેક્સ્ટાઈલ પાર્કની જાહેરાતની વેપારીઓને અપેક્ષા, બે જગ્યાનું પ્રપોઝલ મુકાયું