Surat : જીએસટીનો દર યથાવત રાખવામાં આવતા સુરતના કાપડ વેપારીઓએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી
સાંસદો દ્વારા આ સંદર્ભે હૈયાધારણા આપવાની સાથે સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ સમક્ષ પણ યોગ્ય રજુઆત કરવામાં આવતાં અંતે કાપડ ઉદ્યોગના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી (New Delhi ) ખાતે જીએસટી કાઉન્સીલની (GST Council ) આજરોજ મળેલી બેઠકમાં કાપડ ઉદ્યોગના (Textile Market ) હિતને ધ્યાને રાખીને આવતી કાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે સુરત સહિત સમગ્ર દેશના કાપડ ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી છે. જીએસટી કાઉન્સીલમાં કાપડ ઉદ્યોગ પર પાંચ ટકાના નિર્ણયની જાહેરાત સાથે જ ફોસ્ટા સહિતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોએ મિઠાઈ વ્હેંચી અને ફટાકડા ફોડીને નિર્ણયને વધાવી લીધો હતો.
ગત નવેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સીલ દ્વારા કાપડ ઉદ્યોગમાં લાગુ પાંચ ટકા જીએસટી વધારીને 12 ટકા કરવા સંદર્ભે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ આવતીકાલથી કરવામાં આવનાર હતા, કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન આ નિર્ણયને પગલે માત્ર સુરત જ નહીં સમગ્ર દેશના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં ફોસ્ટા – ફોગવા સહિતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ – અલગ વિરોધ પ્રદશર્નના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
આ સિવાય ફોસ્ટા સહિતની સંસ્થાઓના આગેવાનો દ્વારા જીએસટી દર 12 ટકા કરવાના અંગેના નોટિફિકેશનના વિરોધમાં સુરત – નવસારીના સાંસદ સહિત કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ પણ રજુઆતો કરવામાં આવી હતી. જેને પગલે આજે નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સીલની બેઠકમાં ભારે વિચાર – વિમર્શ બાદ સરકાર દ્વારા કાપડ ઉદ્યોગ પર લાગુ કરવામાં આવનાર 12 ટકા જીએસટીના દરનો પ્રસ્તાવ હાલ પડતો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંસદોનો સવિશેષ આભારઃ ફોસ્ટા કાપડ ઉદ્યોગને છેલ્લા કેટલાક દિવસોથી સતાવી રહેલા જીએસટી વધારાના પ્રશ્ને અંતે ઘીના ઠામમાં ઘી રેડાતાં ફોસ્ટા પ્રમુખ દ્વારા ખુશી વ્યક્ત કરવાની સાથે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી તથા સુરતના સાંસદ દર્શના જરદોષનો સવિશેષ આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સુરત શહેરને વૈશ્વિક ઓળખ આપનાર કાપડ ઉદ્યોગ પર જીએસટી દર 12 ટકા કરવાનો પ્રસ્તાવ ઉદ્યોગ માટે ઘાતકી પુરવાર થઈ શક્યો હોત. પરંતુ સાંસદો દ્વારા આ સંદર્ભે હૈયાધરત આપવાની સાથે સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ સમક્ષ પણ યોગ્ય રજુઆત કરવામાં આવતાં અંતે કાપડ ઉદ્યોગના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવ્યો છે.
વેપારીઓએ ફટાકડા ફોડ્યાઃ મિઠાઈ વહેંચી કાપડ ઉદ્યોગ પર આવતી કાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીનો પ્રસ્તાવ કાઉન્સીલની બેઠકમાં રદ્દ કરવામાં આવતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નવા વર્ષના આગમન પૂર્વે જ દિવાળી ઉજવી હતી. જીએસટી કાઉન્સીલમાં લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત સમગ્ર કાપડ બજારમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી. કાપડ ઉદ્યોગના હિતને ધ્યાનમાં રાખીમાં રાખી લેવામાં આવેલા આ નિર્ણયને પગલે વેપારીઓએ પણ માર્કેટોમાં ફટાકડા ફોડી અને એક બીજાને મિઠાઈ વહેંચીને જીએસટી કાઉન્સીલના નિર્ણયને વધાવી લીધો હતો.
વહેલી સવારથી વેપારીઓ હતા ચિંતાતુર સુરત શહેરને ટેક્સટાઈલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ આપનાર કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 65 હજારથી વધુ વેપારીઓ અને ફોસ્ટા – ફોગવા સહિતની સંસ્થાઓ સાથે સંકળાયેલા પદાધિકારીઓની આજે વહેલી સવારથી જીએસટી કાઉન્સીલની બેઠક પર લેવામાં આવનાર નિર્ણય મુદ્દે ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા. ગઈકાલે સુરત શહેરના કાપડ ઉદ્યોગ દ્વારા 12 ટકા જીએસટીના પ્રસ્તાવ વિરૂદ્ધ બંધ પાળ્યા બાદ આજે પણ વહેલી સવારથી તમામ વેપારીઓને આવતીકાલથી લાગુ થનાર 12 ટકા જીએસટીની ચિંતા સતાવી રહી હતી. જો કે, બપોર બાદ જીએસટી કાઉન્સીલની જાહેરાત સાથે જ વેપારીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હતો.
આ પણ વાંચો : Surat : શહેરની શાન સમાન કેબલ સ્ટેઇડ બ્રિજ પર હવે બુર્જ ખલિફાની જેમ જોવા મળશે લાઇટિંગ
આ પણ વાંચો : Surat : રિંગરોડ બ્રિજ નીચે ફરી માર્કેટ એરિયા માટે કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની ટીમ ગોઠવી દેવાઈ