Surat : સુરતીઓ ખાસ વાંચે : ઉકાઈ ડેમમાંથી બપોર સુધી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઈ શકે છે, જોકે હાલ ચિંતાની વાત નથી
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે હાલ સુરત(Surat ) માટે ચિંતા નો કોઈ વિષય નથી છતાં નદી કાંઠે અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
ઉકાઈ (Ukai ) ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને (Rain ) કારણે ડેમમાં પાણીની આવકમાં (Inflow ) વધારો થયો છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના ઉપરવાસના કેસવંત વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઉકાઈમાં સતત નવા નીર આવતા જ ડેમની સપાટી ઉપર ચડી રહી છે.
હાલમાં જ મળતી માહિતી પ્રમાણે સવારે આઠ વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક લાખ 70 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને બપોર સુધીમાં 1.95 લાખ જેટલું પાણી છોડવામાં આવે તેવી સંભાવના છે. આ પાણી આવવાથી ડેમની સપાટી રૂલ લેવલ કરતા વધી જશે. રૂલ લેવલ સાચવવા માટે ઉકાઈ ડેમ દ્વારા પાણી તબક્કા વાર રીતે છોડવામાં આવી રહ્યું છે અને તેમાં વધારો પણ કરવામાં આવે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં લઈને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
સુરત માટે હાલ કોઈ ચિંતાનો વિષય નથી : મ્યુનિસિપલ કમિશનર
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા પ્રમાણે હાલ સુરત માટે ચિંતા નો કોઈ વિષય નથી છતાં નદી કાંઠે અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. વધુમાં કમિશનરે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે હાલ ઉકાઈ ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ચિંતાનો કોઈ વિષય નથી. છતાં સલામતીના ભાગરૂપે અમે તમામ તૈયારીઓ કરી રાખી છે. હાલ શહેરમાં સ્થળાન્તર ની પણ કોઈ જરૂર ઉભી થાય તેવું લાગતું નથી.
જ્યાં સુધી વરસાદની વાત છે ત્યાં સુધી શહેર અને જિલ્લામાં સામાન્ય જેવો વરસાદ જ વરસી રહ્યો છે. એટલે હાલ વહીવટી તંત્ર માટે એ પણ ચિંતાનો વિષય નથી. શહેરમાં રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેની સપાટી 7.60 મીટર છે.તે ભયજનક સપાટી થી ઉપર વહી રહ્યો છે. જેના કારણે છેલ્લા 12 દિવસથી લોકોની અવરજવર માટે તેને બંધ રાખવામાં આવ્યો છે. જોકે હજી પણ આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહીને જોતા વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે.