Surat: ડાયમંડ સિટીની ત્રીજી આંખની નજર વધુ તેજ બનશે, CCTV કેમરાનુ નેટવર્ક વધુ વિશાળ બનશે
Surat: સુરત શહેરમાં વસ્તી 80 લાખથી વધારે છે અને રોજગારીને લઈને લોકોની અવરજવર ખૂબ જ રહે છે. ડાયમંડ સિટીની આવી સ્થિતીમાં સલામત રાખવી ખૂબ જ જરુરી છે. આ માટે હવે CCTV નેટવર્કને વધારે વિસ્તારવામાં આવી રહ્યુ છે.

સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. શહેરની વસ્તી પણ 80 લાખ આસપાસ છે. ત્યારે રોજબરોજ લાખો લોકોની અવરજવર સુરત શહેરમાં રહે છે. ત્યારે સુરતને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસ દ્વારા જનભાગીદારીથી શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર CCTV કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા અને તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમથી કરવામાં આવતું હતું અને હવે નવા 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે તેને પણ પોલીસની CCTV લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે.
શાંત અને સલામત સુરત શહેર મુહિમ અંતર્ગત સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધવા માટેનુ અભિયાન ઉઠાવવામાં આવે છે. આ મુહિમ અંતર્ગત સુરત શહેર સેક્ટર 1 અને સેક્ટર 2 હેઠળ આવતા ઝોન 1 થી 6 ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે.
જનભાગીદારીથી 15,920 CCTV કેમેરા
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં શોપિંગ મોલ, ટેક્સટાઇલ માર્કેટ, બેંકો, હીરા બજાર, શૈક્ષણિક સંસ્થા અને પાર્કિંગ પ્લોટ આમ અલગ અલગ જગ્યા ઉપર જન ભાગીદારીથી 15,920 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.
મહત્વની વાત છે કે, આ નવા સીસીટીવી કેમેરા પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરા પોલીસને મદદરૂપ થશે.