સુરત પોલીસ કમિશનરે કોફી શોપ કે રેસ્ટોરન્ટની આડમાં ચાલતા કપલ બોક્સ પર ફરમાવ્યો પ્રતિબંધ
Surat: શહેર પોલીસ કમિશનરે હવે કોફી શોપ, રેસ્ટોરન્ટ અને હોટેલોની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં આ તમામ સ્થળોએ બેઠક વ્યવસ્થા સીસીટીવીમાં દેખાય તેવી રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરતના કોફીશોપ, હોટલો કાફે રેસ્ટોરન્ટની આડમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કપલ બોક્સ ચલાવી લેવામાં આવશે નહીં. આવી તમામ ખાણીપીણીની જગ્યાઓ પર કપલ બોક્સ રાખવા પર પ્રતિબંધ ફરવા દેવામાં આવ્યો છે.
કપલબોક્સ પર પ્રતિબંધ મુકવા શહેર પોલીસ કમિશનનો આદેશ
સુરત શહેરના અનેક વિસ્તારોમાં કપલ બોક્સ સાથેના કોફી શોપ હોટલ કાફે રેસ્ટોરન્ટો ચાલી રહ્યા છે. આવા ખાણીપીણીના માધ્યમોમાં સુરત શહેર પોલીસ દ્વારા કપલ બોક્સ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સુરતમાં અનેક જગ્યાએ કોફીશોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા એટલે કે કપલ બોક્સ ઉભા કરી દેવામાં આવ્યા છે.
કપલબોક્સની આડમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતુ હોવાનું સામે આવ્યુ
આવી જગ્યાએ જુદી જુદી પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. જેમાં અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાનું સામે આવ્યું છે. આવા પ્રકારની અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓમાં નાની વયના યુવક યુવતીઓ ભોગ બનતા હોય છે. જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરની તમામ ખાણીપીણીની આડમાં ચાલતા ગેરકાયદે કપલ બોક્સ રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
હોટેલ, કાફે, રેસ્ટોરન્ટમાં તમામ જગ્યા પર સીસીટીવી સાથે સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ
સુરત પોલીસ કમિશનરે શહેરમાં કપલ બોક્સ પર લાગુ કરાયેલા જાહેરનામામાં સ્પષ્ટતા સાથે જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ચાલતા તમામ ખાણીપીણીના માધ્યમોમાં સીસીટીવી ફરજીયાત હોવા જોઈશે. એટલું જ નહીં શહેરની તમામ કોફી શોપ હોટેલો કાફે રેસ્ટોરન્ટો વગેરે તમામ જગ્યાઓ પર સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી બેઠક વ્યવસ્થા રાખવી પડશે. આ સાથે તેની અંદર ઊભી કરાયેલી તમામ બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાવવાના રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં PMJAY-MA યોજનામાં નાણાકીય ગેરરીતિ બદલ સુરતની ત્રણ હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ
સ્પાની આડમાં ચાલતી ગેરરીતિ પર રોક લગાવવી જરૂરી
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં એકાંત વાળી જગ્યા ઉભી કરીને બનાવવામાં આવતા કપલ બોક્સ પર જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે. તે જ રીતે શહેરમાં અનેક જગ્યાએ સ્પાની આડમાં ચાલતા ધંધા ઉપર પણ રોક લગાવી ખૂબ જરૂરી છે. સુરત શહેરની મિસિંગ સેલ પોલીસ દ્વારા આ અંગે અનેક યુવતીઓને સ્પામાંથી પકડી પાડવામાં આવે છે તો અનેક યુવતીને તેમાંથી બચાવી છે. પરંતુ પોલીસે આ પ્રકારની કાર્યવાહી પોલીસ ચોપડે દેખાડવા પૂરતી જ કરવામાં આવે છે.
શહેરમાં હજુ પણ આ પ્રકારના અનેક સ્પા ચાલી રહ્યા છે. જે રીતે કપલ બોક્સ સુરત શહેર માટે ચિંતાનો વિષય છે તે જ રીતે સ્પાના નામે એકાંત સાથેની મળતી જગ્યા પર ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવી ખૂબ જરૂરી છે.