Surat : પાંડેસરામાં શ્રમજીવી પરિવારની ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી, 15 ટીમ બનાવી કરી કામગીરી
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પણ આ તપાસમાં જોતરાઈ હતી જો કે ત્યારબાદ માસુમબાળકી ઘર પાસે જ સાંઈ મોહન સોસાયટીની નજીકથી હેમખેમ મળી આવતા પોલીસ અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત(Surat)શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વડોદ ગામમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની માસુમ બાળકી બુધવારે મોડી સાંજે તેની બહેન સાથે ઘરના આંગણામાં રમી રહી હતી, આ દરમિયાન સાંજે સાતેક વાગ્યાના અરસામાં અચાનક જ અઢી વર્ષની માસુમ બાળકી ગુમ(Missing Girl)થઈ જતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. આ બનાવને પગલે પરિવારે પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ સ્થળ પર પહોંચીની બાળકની શોધખોળ આદરી હતી. પોલીસે(Police)અઢી વર્ષની માસુમ બાળકીના અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ 15 ટીમો બનાવી શોધખોળની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પણ આ તપાસમાં જોતરાઈ હતી જો કે ત્યારબાદ માસુમબાળકી ઘર પાસે જ સાંઈ મોહન સોસાયટીની નજીકથી હેમખેમ મળી આવતા પોલીસ અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
બાળકીનો કોઈ પત્તો નહીં મળતા પોલીસમાં ફરીયાદ કરાઈ હતી
બનાવની વિગત એવી છે કે મુળ ઔરંગાબાદના વતની અને હાલમાં વડોદ ગામ ખાતે રહેતા અને સલાબતપુરામાં ટેકસટાઈલ્સ માર્કેટમાં હમાલીનું કામ કરતાં ભોલાભાઈની અઢી વર્ષની માસુમ બાળકી બુધવારે સાંજે સાતેક વાગ્યે તેની પાંચ વર્ષની મોટી બહેન સાથે ઘરની બહાર રમતી હતી. તેની બાદ બાળકી રમતા રમતા અચાનક જ ગુમ થઈ ગઈ હતી. ભોલાભાઈએ રસોઈ તૈયાર થઈ જતાં પત્નીને બંને દીકરીઓને જમવા માટે બોલાવવા મોકલતા ઘરની બહાર મોટી દીકરી જ રમતી હતી અને નાની અઢી વર્ષની દીકરી જોવા મળી ન હતી. જેથી ભોલા અને તેની પત્નીએ બાળકીનો શોધવા માટે વડોદ ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો નહીં મળતા પોલીસમાં ફરીયાદ કરાઈ હતી.
પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીની ટીમો પણ જોડાઈ હતી
જેમાં પી.આઈ. ચૌધરીએ બનાવની ગંભીરતાથી લઈને અપહરણનો ગુનો દાખલ કરી તોબડતોડ બાળકીને શોધવા માટે અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તેમજ બાળકીના પોસ્ટરો તથા સમગ્ર વિસ્તારમાં શેરીઓમાં રિક્ષા મારફતે માઈકમાં એનાઉન્સ પણ કર્યું હતુ. તપાસમાં પાંડેસરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, અને પીસીબીની ટીમો પણ જોડાઈ હતી. પોલીસે આજુબાજુના વિસ્તારમાં અંદાજિત 300 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જોકે ત્યારબાદ માસુમ બાળકી પોલીસને હેમખેમ મળી આવતા પોલીસ અને બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી
15 કલાકથી ગુમ બાળકીને ડોર ટુ ડોર શોધી રહ્યા હતા ત્યારે શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઘરની મહિલાએ જણાવ્યું હતું કે શાકભાજીની ખરીદી દરમિયાન બાળકી રડી રહી હતી. એટલે એને સાથે ઘરે લઈ આવ્યા હતા અને દીકરીની જેમ રાત્રે રાખી હતી અને કોઈ શોધવા આવે એની રાહ જોતા હતા. જો કે પોલીસે આ દંપતીની પૂછપરછ કરી છે.
આ પણ વાંચો : Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ