Surat : પ્રિકોશનરી ડોઝના 30 હજારના ટાર્ગેટ સામે ફક્ત 5700 લોકોએ જ ડોઝ લીધો
કેન્દ્ર સરકાર દ્વારા જેનો વેક્સિનના બંન ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમયગાળો થઈ ગયો હોય તેને હવે પ્રિકોશનરી ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
કોરોના (Corona ) સામે બચવા માટે હાલ વેક્સિન (Vaccine ) જ એક ઉપાય છે. જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેની સામે ઝઝૂમવા માટે કોવિડ ગાઈડલાઈનનું (Covid Guideline ) પાલન કરવું તો જરૂરી જ છે. સાથે સાથે વેક્સિનેશન પણ ખૂબ જરૂરી છે. પરંતુ શહેરીજનોએ કોરોનાની બે-બે લહેર જોયા બાદ હવે જાણે ત્રીજી લહેરને ગણકારતા નથી અને વેક્સિન લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.
નોંધનીય છે કે બીજા ડોઝ માટે એલિજેબલ હોય એવા 4 લાખ લોકોએ હજી સુધી વેક્સીન લીધી નથી. બુધવારે પણ શહેરના 164 સેન્ટર પર કોવીશીલ્ડ અને 12 સેન્ટર પર કોવેક્સિન રસીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. આજે પણ 150 જેટલા સેન્ટરો પર રસીકરણ કરવામાં આવનાર છે. જેમાં નાગરિકો પ્રથમ, બીજો અને પ્રિકોશનરી ડોઝ લઇ શકશે.
કેન્દ્ર સરકાર દ્વારા જેનો વેક્સિનના બંન ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમયગાળો થઈ ગયો હોય તેને હવે પ્રિકોશનરી ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેની શરૂઆત 10 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. અને બુધવારે તા . 19 જાન્યુઆરીએ પ્રિકોશનરી ડોઝ લેવા માટે મનપા દ્વારા મહાઅભિયાન રાખવામાં આવ્યું હતું અને અંદાજિત 30,000 લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જેની સામે માત્ર 5700 જ લોકો વેક્સિન લેવા આવ્યા હતા.
મનપા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, જે હેલ્થ વર્કર , ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરના લોકોનો વેક્સિનના બંને ડોઝ લીધાને 39 અઠવાડિયાનો સમય થઈ ગયો હોય તેઓ તાકીદે પ્રિકોશનરી ડોઝ લઈ લે. અત્યારસુધી સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલો ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ સહીત કુલ 75.50 લાખ વેક્સિનેશન ડોઝના ઉપયોગ સાથે આખા રાજ્યમાં સુરત મહાનગરપાલિકાએ મોખરાનું સ્થાન મેળવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં દાખલ 9 ક્રિટિકલ દર્દી પૈકી રસી ન લેનારા 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઓક્સિજન પર હોય તેવા છ માંથી 4ની રસી હજી બાકી છે, જયારે બે દર્દીઓએ માત્ર 1 જ ડોઝ લીધો છે. વેક્સીન ન લેનારા વાયરસના મ્યુટેશનમાં પણ વધારો કરે છે. જેથી વાયરસ નવા સ્વરૂપો ધારણ ન કરે તે માટે લોકો વેક્સીન લે તે જરૂરી છે.
આ પણ વાંચો :