સુરત : માનવતા હજુ મરી પરવારી નથી, વૃદ્ધાની 2 લાખ ભરેલી બેગ ખોવાઇ, પછી શું થયું જાણો
રીક્ષા ચાલક અશોક સુદામ ખરાઈએ જણાવ્યું હતું કે હું ભટાર સ્થિત ઇન્દિરા નગર ખાતે રહું છું અને તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉમા ભવન પાસે માસી પેસેન્જર તરીકે રીક્ષામાં બેઠા હતા. અને તેઓ ઉધના દરવાજા પાસે ઉતરી ગયા હતા અને તેઓની બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા.
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને પ્રમાણિકતાથી મોટું કોઈ ઉદાહરણ નથી, અને આ વાત સિદ્ધ કરી બતાવી છે સુરતમાં (SURAT) રહેતા એક રીક્ષા ચાલકે. સુરતમાં એક રીક્ષાચાલકને (rickshaw driver) ૨ લાખની રોકડ ભરેલુ બેગ મળ્યું હતું. અને પૈસા પણ એક વૃદ્ધના (Old Women) હતા કે જે પતિના અવસાન બાદ તેના પેન્શનમાંથી ઘર બનાવવા માંગતી હતી. એક બાજુ વૃદ્ધા પૈસા પરત મેળવવા માટે પોલીસ મથકે પહોચી હતી. તો બીજી તરફ રીક્ષા ચાલકે પણ પૈસા પરત આપવાનું મન બનાવી લીધું હતું. પોલીસે (police)ગણતરીના કલાકોમાં રીક્ષા ચાલકની ભાળ મેળવી લીધી હતી અને રીક્ષા ચાલક પૈસા પરત કરવા માટે પોલીસ મથકે પહોંચે તે પહેલા પોલીસ તેની પાસે ગઇ હતી અને રીક્ષા ચાલકે પરિવાર સાથે પોલીસ મથકે જ વૃદ્ધાને તેના ૨ લાખ રૂપિયા પરત કર્યા હતા.
સુરતના ડીંડોલી સ્થિત મહાદેવ નગર 2 ખાતે રહેતા ૬૬ વર્ષ મધુબેન પટેલના પતિનું નિધન થઇ ગયું છે. અને તેઓના પતિના પેન્શનના રૂપિયા ભેગા કર્યા હતા. અને તે રૂપિયાથી તેઓ ઘર બનાવવા માંગતા હતા. આજે તેઓ બેંકમાં પહોંચ્યા હતા અને ત્યાંથી ૨ લાખ રૂપિયા ઉપાડી એક બેગમાં મુક્યા હતા. બેગમાં રૂપિયા મુક્યા બાદ તેઓ ઉમાભવનથી એક રીક્ષામાં બેઠા હતા. અને ત્યારબાદ તેઓ ઉધના દરવાજા ખાતે રીક્ષામાંથી ઉતરી ગયા હતા. જોકે આ દરમ્યાન તેઓ રૂપિયા ભરેલી બેગ રીક્ષામાં જ ભૂલી ગયા હતા. થોડીવાર બાદ રૂપિયા ભરેલી બેગ ન મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ચિંતાતુર થઇ ઉઠ્યા હતા. આ બનાવ બાદ તેઓ ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા.
અને પીએસઆઈ આર.એસ.પટેલને સમગ્ર વાત કરી હતી. જેથી પીએસઆઈએ આ મામલે બે ટીમ બનાવી હતી. જેમાં એક ટીમ તેઓ જ્યાંથી રીક્ષામાં બેઠા હતા ત્યાં તપાસ કરવા જોતરાઈ હતી અને બીજી ટીમ કંટ્રોલરૂમના સીસીટીવી ફૂટેજ તપાસતી હતી. ૨ થી ૩ કલાકની મહેનત બાદ રીક્ષા ચાલકની ભાળ મળી હતી અને તેઓ રીક્ષા ચાલકના ઘરે પહોચ્યા હતા. જ્યાં ખુદ સામેથી રીક્ષા ચાલક રૂપિયા લઈને પરિવાર સાથે પોલીસ મથકે આવવા નીકળ્યો હતો. પોલીસ રીક્ષા ચાલકને લઈને ખટોદરા પોલીસ મથકે પહોંચી હતી અને અહીં રીક્ષા ચાલકે ૨ લાખની રોકડ વૃદ્ધાને પરત કરી હતી. રૂપિયા પરત મળતા જ વૃદ્ધ મહિલાની આંખો છલકાઈ ઉઠી હતી અને તેઓએ રીક્ષા ચાલક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીક્ષા ચાલક અશોક સુદામ ખરાઈએ જણાવ્યું હતું કે હું ભટાર સ્થિત ઇન્દિરા નગર ખાતે રહું છું અને તેઓ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉમા ભવન પાસે માસી પેસેન્જર તરીકે રીક્ષામાં બેઠા હતા. અને તેઓ ઉધના દરવાજા પાસે ઉતરી ગયા હતા અને તેઓની બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. હું રીક્ષા ચલાવ્યા બાદ ઘરે આવ્યો હતો અને ચા પીધી હતી અને ત્યારબાદ રીક્ષા સફાઈ કરવા ગયો હતો જ્યાં મને રીક્ષામાં બેગ મળી હતી. જે મેં ખોલીને જોતા તેમાં ૨ લાખની રોકડ હતી. રૂપિયા જોઇને હું ચોકી ઉઠ્યો હતો. જેથી મેં તાત્કાલિક મારા દીકરાને ફોન કર્યો હતો અને પૈસા લઈને પોલીસ મથકે જવાની તૈયારી કરી હતી.
જેથી હું પરિવાર સાથે રૂપિયા લઈને પોલીસ મથકે જવા નીકળ્યો ત્યાં જ પોલીસની ટીમ આવી હતી. અને હું અને મારો પરિવાર પોલીસ મથકે આવી પૈસા પરત કર્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨ લાખ કરતા મારી ઈમાનદારી મોટી છે. કોઈ ના પૈસા ખાઈને હું કોઈ મોટો આદમી થઇ જવાનો નથી, માસીનું દુઃખ મોટું છે. હું ભગવાનનો આભાર માનું છું કે રીક્ષામાં માસીનું બેગ સલામત રહ્યું, જો આ બેગ કોઈ અન્ય વ્યક્તિ લઇ જતે તો મને બહુ દુ:ખ થતે, પણ આખરે માસીને તેના પૈસા પરત મળી ગયા તે વાતની બહુ ખુશી છે.
પોલીસે વૃદ્ધ મહિલાને પૈસા પરત અપાવ્યા હતા. આ કામગીરીમાં પીએસઆઈ આર.એસ.પટેલ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ડામોર, પોલીસકર્મી યોગેશભાઈ, જયરાજભાઈ સહિતના પોલીસકર્મીઓએ સતત મહેનત કરી હતી. અને આખરે વૃદ્ધ મહિલાને રૂપિયા પરત મળતા તેઓએ આ તમામ પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Mehsana : દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે
આ પણ વાંચો : Ahmedabad: દોઢ વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંજામ, યુવતીએ પાંચ માસના દીકરા સાથે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો