Surat : અલગ ગેંગ બનાવવાના ચક્કરમાં વેડરોડમાં કરવામાં આવ્યું હતું ફાયરિંગ, પોલીસ તપાસમાં થયો ખુલાસો
જો કડક કાર્યવાહી (Action ) અત્યારે કરવામાં નહીં આવે અથવા તો લાલ આંખ કરવા માં નહિ આવે તો આવનારા દિવસની અંદર આ ગેંગ ફરી ચોક બજાર વિસ્તારની અંદર સક્રિય થાય તો નવાઈ નહીં.
સુરતના (Surat )કુખ્યાત સૂર્યા મરાઠી અને હાર્દિકના અવસાન બાદ ગેંગમાં (Gang ) ફાટફૂટ પડી ગઇ હતી, આ ફાટફૂટમાં માથાભારે દિપક કોટેકર અલગ ગેંગ બનાવવા ઇચ્છતો હતો. પરંતુ સૂર્યાના એક સમયના ખાસ સાગરીત એવા સફીએ તેને નવી ગેંગ બનાવવાની ના પાડી દેતા દિપકે પોતાના માણસોની સાથે રેકી કરીને સફી ઉપર ફાયરીંગ કર્યું હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે ફાયરીંગ કરનાર દિપક તેમજ તેના બે મળતીયાને પકડી પાડ્યા હતા અને વધુ પુછપરછ શરૂ કરી છે. દરમિયાન ગેંગવોર કરાવવામાં સફીનો મુખ્ય હાથ હોવાની વાત છે. ત્યારે આ મામલે પણ સફી સામે ગેગો સામે હોવાની વાતને પોલીસ દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે.
સુરતના વેડરોડ અખંડ આનંદ કોલેજ સામે વિશ્રામ નગર સોસાયટીમાં નામચીન સફી ઉલ્લા મોહમ્મ્દ સફી શેખ રવિવારે સવારના સમયે વેડરોડની સરદાર હોસ્પિટલની બાજુની ગલીમાં ચીકનની દુકાન પાસે બેઠો હતો ત્યારે ત્યાં દિપક કોટેકર અને તેની સાથે બીજો ઇસમ આવ્યો હતો. સફી કંઇ સમજે તે પહેલા જ દિપકે સફી ઉપર ફાયરીંગ કર્યું હતું, જો કે, મીસ ફાયર થતા સફીને પેટમાં સામાન્ય ઇજા થઇ હતી. આ બાબતે ચોક પોલીસે તપાસ કરીને દિપક કોટેકર અને તેની ગેંગના અન્ય માણસોની સામે હત્યાના પ્રયાસનો તેમજ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ કેસમાં મંગળવારે ચોકબજાર પોલીસે દિપક કોટેકરને પકડી પાડ્યો હતો, જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે અટોદરા ચોકડી પાસે સોનલપાર્ક સોસાયટીમાં રહેતા વિકાસ ઉર્ફે અંકુશ કચરૂભઆઇ મગરે તેમજ અમોલ તુકારામ નામદેવને પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે દિપકે પોતાની સાથે બીજા તેમના સાગરીતો સાથે રાખીને અલગ ગેંગ બનાવવા માંગતો હતો. આ માટે દિપકે સફીને પણ પોતાની ગેંગમાં સામેલ થવા માટે જણાવ્યું હતું પરંતુ સફીએ નવી ગેંગ બનાવવાની ના પાડી દીધી હતી. ત્યારે દિપકે સફીને ધમકીઓ પણ આપી હતી.
આ મામલે સફીએ દિપક અને તેની ગેંગના બીજા સભ્યો સામે ચોકબજારપોલીસમાં ધમકીની ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખીને દિપકે રવિવારે સવારના સમયે પોતાના અન્ય માણસોની સાથે રેકી કરી ફાયરીંગ કર્યું હતું. હાલ તો ચોકબજાર પોલીસે દિપકની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.