Surat : લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારને 20 વર્ષની સજા
આરોપીએ(Accused ) જે ગુનો કર્યો છે તે જોતાં તેની સજા ઓછી કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત સ્વીકારતી નથી. જો આવા આરોપીઓ સામે દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે.
સગીરાને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવીને જુદા જુદા સ્થળે લઈ જઈને બળાત્કાર ગુજારનાર આરોપીને, 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે, ગત તા. 8 એપ્રિલ 2021ના રોજ સુરતના (Surat ) એક વિસ્તારમાં રહેતી 14 વર્ષિય સગીરાને (Minor ) મુળ ભાવનગરનો વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતો કરણ વીરજીભાઇ ડાભીએ પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. કરણે સગીરાને લગ્ન માટેની લાલચ આપીને ફોસલાવીને લકઝરી બસમાં ચોટીલા લઇ ગયો હતો. તે બાદમાં કરણે સગીરાની સાથે બસમાં જ બળાત્કાર કર્યો હતો, અને પછી ચોટીલાની હોટેલમાં રહીને ત્યાં પણ સગીરા પર રેપ કરવામાં આવ્યો હતો. તે બાદમાં કરણે સગીરાને તરછોડી દીધી હતી અને લગ્ન કર્યા ન હતા. આ બાબતે સગીરાએ કરણની વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કરણની ધરપકડ કરીને જેલને હવાલે કર્યો હતો. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલ બાદ કરણને પોક્સો એક્ટ મુજબ તકસીરવાર ઠેરવીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, લગ્નની લાલચ આપી, લલચાવીને અપહરણ કરી જઈ તેને સ્લીપર લક્ઝરી બસમાં બેસાડી ચોટીલા લઈ જઈ, એક હોટલમાં રોકાઈ તેણે કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.
સમાજમાં બાળકીઓ પણ સુરક્ષિત જીવન પસાર કરે તેવા સમાજનું નિર્માણ કરવું જરૂયી છે. અને હાલના કપરા સંજોગોમાં તે સૌથી વધારે અગત્યનું છે. સગીર બાળકો સાથેના આવા હીન પ્રકારના કૃત્યો વધી રહ્યા છે. સમાજમાં બાળકીઓ પર આવા ગુના બનતા અટકે તે હેતુથી પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
આરોપીએ જે ગુનો કર્યો છે તે જોતાં તેની ઓછી સજા કરવાનું કોઈ કારણ હોવાનું અદાલત સ્વીકારતી નથી. જો આવા આરોપીઓ સામે દયા બતાવવામાં આવે તો સમાજનું હિત જોખમાય છે. તેમજ આ કેસમાં બાળકી સાથે બળાત્કાર થયો છે, જેથી છોકરી અને તેના પરિવારજનોને માનસિક આઘાત પહોંચ્યો છે. આવા પ્રકારના ગુનાથી બાળકીને આજીવન માનસિક યાતનાનો સામનો કરવો પડે છે. તેથી આરોપીને કડક સજા થવી જરૂરી છે.