Surat : દિલ્હી પોલીસ અને સુરતની સંસ્થાની પહેલ, નાની બાળકીઓ પર જાતીય હિંસા રોકવા શરૂ કરી ઝુંબેશ
આખા દેશમાં મહિલાઓ અને નાના બાળકો પર થતા જાતીય શોષણ નું પ્રમાણ દિલ્હીમાં સૌથી વધારે છે.તેને જોતા જ અમે આ અભિયાનની શરૂઆત દિલ્હીથી કરી છે.
દિલ્હી પોલીસ અને સુરતની એક સંસ્થા દ્વારા એક ખાસ અભયા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રમુખ પ્રિયંક કાનુન્ગો , ડૉ. સોનલ રોચાણીએ અભયા પુસ્તક અને અભયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. દિલ્હીમાં જયારે બળાત્કારની ઘટનાનો બનતી રહે છે તેવામાં બાળકીઓને સતર્કતા લાવવા માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન સુરતની આ સંસ્થા અને દિલ્હી પોલીસના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો હતો.
અભયા શું છે ?
દિલ્હીમાં નાના બાળકો સામે થતા જાતીય હિંસા અને બીજા ગુનાઓને રોકવા માટે, સુરતની શક્તિ ફાઉન્ડેશન દિલ્હી પોલીસના SPUWAC (મહિલાઓ અને બાળકો માટે પોલીસના વિશેષ એકમ) સાથે મળીને આગામી વર્ષમાં આખી દિલ્હીમાં 25 લાખ બાળકો સુધી પહોંચશે. આ દીકરીઓ સુધી લઈ જવાની ઝુંબેશ છે,
અભયા પુસ્તક 5 થી 15 વર્ષની વયની છોકરીઓને તેમજ તેમની માતાઓને જાગૃતિ અને તાલીમ કાર્યક્રમમાં આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમાં પોલીસ દ્વારા તેઓને સ્વરક્ષણની તાલીમ પણ આપવામાં આવશે,ડોક્ટર્સ અને કાઉન્સેલરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. પોક્સો એક્ટ વિશે માહિતી આપવાની સાથે સાથે તેમને ફક્ત ગુડ ટચ બેડ ટચ જ નહીં પરંતુ બાળકોને બ્લેકમેલ થવાથી બચાવવા, કોઈ પણ વસ્તુ ના લોભમાં અજાણ્યા લોકોના સંપર્કમાં આવીને તેમને શિકાર બનતા અટકાવવા, રસપ્રદ ચિત્રો સાથે કોડવર્ડ શીખવવાની બાબતો અભયા પુસ્તકમાં વર્ણવી લેવામાં આવી છે.
સુરતના સોનલ રોચાણી છેલ્લા 10 વર્ષથી તેઓ ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. ડૉ. સોનલ હજુ પણ વિવિધ માધ્યમો થકી મહિલાઓને નડતા મુદ્દાઓ પર લખી રહી છે. “અભયા” પ્રોજેક્ટ સાથે, તેમને હવે દિલ્હીની મહિલાઓ અને નાની છોકરીઓ સામે થતા જાતીય હિંસાના ગુનાઓ વિશે જનજાગૃતિ લાવવાનું કામ પણ હાથ પર લીધું છે. .
વધુમાં ડૉ. સોનલ રોચાણી એ ઉમેર્યું છે કે આખા દેશમાં મહિલાઓ અને નાના બાળકો પર થતા જાતીય શોષણ નું પ્રમાણ દિલ્હીમાં સૌથી વધારે છે.તેને જોતા જ અમે આ અભિયાનની શરૂઆત દિલ્હીથી કરી છે. દિલ્હી ભારત દેશની રાજધાની છે અને અહીંથી શરૂ કરેલો આ પ્રયાસ સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે તેવી મને આશા છે.આવનારા સમયમાં દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેથી કંઈક અંશ સુધી મહિલાઓ અને બાળકો પર થતા જાતીય શોષણના પ્રમાણને ઘટાડી શકાય.