સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે
અત્યાર સુધી મહાનગરપાલિકાએ કોઈ નિયમ ઘડ્યા નહોતા પણ હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે મોબાઈલ ફૂડ કોર્ટને પણ કાયદાના દાયરામાં આવરી લેવાનું નક્કી કર્યું છે.
સુરત શહેરમાં ખાણીપીણીના લારી ગલ્લા અને કાઉન્ટરો બાદ હવે ઠેર ઠેર મનફાવે ત્યાં ઉભા રહી જતા ફૂડ ટ્રક કે મોબાઈલ ફૂડ કોર્ટ માટે અત્યાર સુધી મહાનગરપાલિકાએ કોઈ નિયમ ઘડ્યા નહોતા પણ હવે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAIના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગે (Health Department) મોબાઈલ ફૂડ કોર્ટને પણ કાયદાના દાયરામાં આવરી લેવાનું નક્કી કર્યું છે.
હવે મોબાઈલ ફૂડ કોર્ટ માટે પણ આરોગ્ય વિભાગમાં નોંધણી કરાવવા અને ફૂડ વિભાગનું લાયસન્સ લેવું ફરજીયાત કરવામાં આવશે. તે ઉપરાંત વ્હીલર ટેમ્પો કે વાહન માટે 10 હજાર અને ફોર વ્હીલર વાહન કે ફૂડ ટ્રક માટે 15 હજાર વાર્ષિક પરમીટ ફી નક્કી કરવામાં આવશે. મોબાઈલ ફૂડ કોર્ટની નોંધણી, ફૂડ લાયસન્સ તથા જે જગ્યાએ વાહન ઉભું રહેવાનું હોય ત્યાંના રફ નકશા સાથે ફાયર એન.ઓ.સી. મેળવ્યા બાદ પરમીટ માટે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે.
પરમીટ ચોક્કસ દિવસ, ચોક્કસ સ્થળ અને સાંજે 6થી 11ના સમય માટે જ મળી શકશે. અન્ય સમય માટે અલગ અરજીમાં પરવાનગી લેવાની રહેશે. આવા સંખ્યાબંધ નિયમો અને નિયમભંગના કિસ્સામાં રૂ. 500થી લઈને રૂ. 5 હજાર સુધીના દંડ સહિતની નવી સૂચિત નીતિ આગામી સ્થાયી સમિતિ માટે શાસકોની મંજૂરી માટે મુકવામાં આવી છે.
મનપાના આરોગ્ય વિભાગ પાસેથી દરેક ફૂડ કોર્ટે FSSAI સંલગ્ન ફૂડ બિઝનેસ ઓપરેટરનું લાયસન્સ લેવાનું પણ જરૂરી બનાવવામાં આવ્યું છે. ખાનગી જગ્યામાં પણ મોબાઈલ ફૂડ કોર્ટ રાખવા માટે માલિકના પરવાનગી પત્ર સાથે નોંધણી, પરમીટ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે. આ સાથે રસ્તા પર ટેબલ ખુરશીઓ ન મુકવા, રહેણાંક વિસ્તારમાં ન્યુસન્સ ન થાય એ રીતે મોબાઈલ ફૂડ કોર્ટ ઓછામાં ઓછા 10 ફૂટના અંતરે રાખવા.
ઘોંઘાટ કે મ્યુઝિક ન ચલાવવા, ખાદ્યપદાર્થ તૈયાર કરવાની તમામ સામગ્રી મોબાઈલ ફૂડ કોર્ટ પર જ રાખવા, સૂકા ભીના કચરાનો યોગ્ય નિકાલ, વારંવાર વાસણ અને હાથ ધોવા માટે પાણીની સિન્કની વ્યવસ્થા, ટ્રાફિકને અડચણ ન થાય એ રીતે ગ્રાહકોના વાહનો પાર્ક કરાવવા સહિતના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. મોબાઈલ ફૂડ કોર્ટ માટે ચોક્કસ કલર કોડ પણ રાખવો પડશે. આ ઉપરાંત આ નિયમોના ભંગ કરનાર સામે આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે
આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો