Surat: કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી 4 હજારથી વધુ સિનિયર સિટીઝનને કરાવશે ગુજરાતની ચારધામની યાત્રા, 15મી ઓગષ્ટથી યાત્રાનો પ્રારંભ
Surat: રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી રાજ્ય સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત 4 હજારથી વધુ સિનિયર સિટીઝનને ચારધામની યાત્રા કરાવશે. 15 મી ઓગષ્ટે ધ્વજવંદન કર્યા બાદ આ યાત્રાનો પ્રારભં થશે. આ યાત્રા માટે 75 સ્લિપિંગ કોચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi) 4 હજારથી વધુ સિનિયર સિટિઝનને ગુજરાતની ચારધામની યાત્રા કરાવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના અન્વયે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ પ્રવાસનું આયોજન કર્યુ છે. જેમા સુરત(Surat)થી સોમનાથ માટે 75 બસ રાખવામાં આવી છે. સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ પ્રવાસનું આયોજન કર્યુ છે. પવિત્ર શ્રાવણ માસ નિમીત્તે મંત્રી દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વરિષ્ઠ નાગરિકોને ચારધામના દર્શન કરવામાં સરળતા રહે તે માટે આ સમગ્ર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન સાથે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના ચાર ધામની યાત્રા કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત આયોજન
આ યાત્રાએ જનારા 4 હજાર સિનિયર સિટીઝનોના પરિવાર સહિત સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજ અને લાકડીનું વિતરણ કરવામાં આવ્યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનામાં નવા ફેરફારો સાથે રાજ્યના વધુમાં વધુ સિનિયર સિટીઝનો લાભ લઈ રહ્યા છે. જેમ રામાયણ કાળ દરમિયાન પોતાના માતા-પિતાને જે ભાવે તીર્થ સ્થાનોની યાત્રા કરાવી હતી. એ જ ભાવ સાથે વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત સરકારે આ યોજનાનું નામ શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવી છે.
યાત્રા દરમિયાન ગુજરાતના 7 ધાર્મિક સ્થળોના કરાવાશે દર્શન
રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા વડીલો સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રાનો લાભ મળી રહે તે માટે પવિત્ર શ્રાવણ મહિનામાં પવિત્ર સોમવારે 15મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વે સુરતથી સોમનાથ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન માટે યાત્રાનું આયોજન કર્યુ છે. આ યાત્રામાં 75 સ્લિપિંગ કોચ બસમાં 4 હજારથી વધુ સિનિયર સિટિઝનો લાભ લેશે. આ યાત્રા દરમિઆન ચોટિલા ચામુંડા માતાજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ગોંડલ, ખોડલધામ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, ભાલકા તીર્થ, સ્વામીનારાયણ મંદિર વડતાલ અને નિલકંઠ મહાદેવ મંદિર નર્મદાના દર્શનાર્થે જશે. આ ત્રિદિવસીય યાત્રા દરમિયાન રોકાણ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરતથી સોમનાથ શ્રવણતીર્થ દર્શન યાત્રાને સફળ બનાવવા પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ દિવસ રાત સેવા આપી રહ્યા છે.