Surat : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરતમાં વેન્ટિલેટર સાથે 263 બેડવાળી કોવિડ હોસ્પિટલ ફરી તૈયાર
ઓમિકોનના ભય વચ્ચે સિવિલ તંત્રએ કેમ્પસમાં જ આવેલી કોવિડ -19 હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કર્યો છે. કોવિડ -19 હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 263 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઓમિક્રોનના (Omicron) ભય વચ્ચે સુરત સિવિલ તંત્રએ (Civil Hospital) આરોગ્યલક્ષી સુવિધા વધારી વેન્ટિલેટર સાથેના કુલ 263 બેડવાળી કોવિડ હોસ્પિટલ ફરી તૈયાર કરી દીધી છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોનાના નવા વોરિઅન્ટ ઓમિક્રોનના કૈસ દેશમાં ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં પણ ઓમિક્રોનના બે કેસ (Omicron Cases) મળી આવતા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. ઓમિકોનના ભય વચ્ચે સિવિલ તંત્રએ કેમ્પસમાં જ આવેલી કોવિડ -19 હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કર્યો છે. કોવિડ -19 હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 263 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં જૂની હોસ્પિટલ બિલ્ડિંગ, કિડની અને કોવિડ હોસ્પિટલ એમ ત્રણ હોસ્પિટલ મળીને કુલ 852 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જેમાંથી 774 વેન્ટિલેટર કાર્યરત છે અને 78 વેન્ટિલેટર ખોટકાયા હોવાથી રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે પૈકી 263 વેન્ટિલેટર સાથેના બેડની વ્યવસ્થા ઓમિક્રોનને દહેશત જોતા કોવિડ -19 હોસ્પિટલમાં ઉભી કરવામાં આવી છે. જેમાં 203 વેન્ટિલેટર બાળકો માટે અને પુખ્તવયના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થાય તેવા છે. શંકાસ્પદ કોરોના સાથે આવતા દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક દિવસ દરમિયાન સિવિલમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે આવતા દર્દીની સંખ્યા ખુબ વધી છે. પાંચ દિવસ પહેલા કોવિડ -19 હોસ્પિટલમાં 18 દર્દી તપાસ માટે આવ્યાં હતા. તમામના કોરોના ટેસ્ટ કરાયા હતા. જોકે, તમામ કેસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ બીજા 20 કેસો તપાસ માટે આવ્યાં હતા. જે પૈકી એક-બે કેસમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા પ્રમાણે ઓમિક્રોનના દર્દી માટે અલાયદા વોર્ડ, 10 માળની કોવિડ -19 હોસ્પિટલના ત્રીજા માળે તેમજ શંકાસ્પદ ઓમિક્રોન દર્દીઓ માટે પાંચમાં માળે કેસ દાખલ કરવા માટેની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિ વધુ બગડે તેવા સંજોગોમાં જૂની હોસ્પિટલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગમાં આવેલા વેન્ટિલેટર પણ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવા સુધીની તૈયારી છે.
આમ, શહેરમાં બિલ્લી પગે કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં વેક્સિનેશન માટે પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે જે દર્દીનું કોરોનાથી મોત થયું હતું તે અન્ય બીમારીઓથી તો પીડિત હતો જ પણ સાથે સાથે તેણે વેક્સિનના એકપણ ડોઝ લીધા ન હતા. આ જ બતાવે છે કે કોરોનથી બચવા વેક્સિનેશન કેટલું જરૂરી છે.