Surat : સુરતના દરેક ઝોનમાં હવે બનશે 50 બેડની હોસ્પિટલ, આયોજન કાગળ પર ન રહી જાય તે માટે રોડમેપ પણ તૈયાર
હાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં 30 બેડની હોસ્પિટલો ઉપલબ્ધ છે. આ સીએચસીને અપગ્રેડ કરી 50 બેડની હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. આગામી એક - બે માસમાં ત્રણ - ચાર સીએચસીમાં 50 બેડની હોસ્પિટલો શરૂ થઈ શકે તેમ છે.
વર્ષ 2022-23 ના બજેટમાં (Budget ) આરોગ્યલક્ષી માળખું વધુ ચોક્કસ અને પ્રજાલક્ષી બનાવવાના આશયથી ઝોન(Zone ) દીઠ 50 બેડની હોસ્પિટલો શરૂ કરવા અને સ્મીમેર હોસ્પિટલ(Hospital ) પરનું કાર્યભારણ ઘટાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ગત વર્ષે પણ બજેટમાં સુચિત કરાયું હતું. પરંતુ આ વર્ષે આ આયોજન ફક્ત કાગળ પર ન રહી જાય તે માટે સ્થાયી અધ્યક્ષે કમરકસી છે.
સુરત મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર હેલ્થ સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી સ્થાયી અધ્યક્ષે બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવેલ આરોગ્યલક્ષી પ્રોજેક્ટો ક્યારે અને કઈ રીતે શરૂ થશે ? તે અંગેનો રોડમેપ રજૂ કરવા તાકીદ કરી છે.
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે , તબક્કાવાર દરેક વિભાગો , ઝોનો માટે બજેટમાં સુચિત કરવામાં આવેલ પ્રોજેક્ટો માટેની પ્રોગ્રેસિવ રિપોર્ટ , વહીવટી કાર્યવાહી તથા સ્થળ પર અમલીકરણ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. દરેક વિભાગો ઝોનો સાથે તબક્કાવાર શરૂઆતથી જ બેઠકો યોજીને નિયમીત રીતે રિવ્યુ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આગામી તારીખ પહેલી મે , ગુજરાત સ્થાપના દિવસ સુધી ઝોન દીઠ 50 બેડની મહત્તમ હોસ્પિટલો શરૂ કરવા માટેનો લક્ષ્યાંક હાલ રાખવામાં આવ્યો છે. સાથે જ સ્લમ પોકેટો , વસાહતોમાં ઝડપથી નિર્ધારીત 148 જેટલી ક્લિનિકો શરૂ કરવાનું પણ આયોજન છે.
નોંધનીય છે કે , હાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં 30 બેડની હોસ્પિટલો ઉપલબ્ધ છે. આ સીએચસીને અપગ્રેડ કરી 50 બેડની હોસ્પિટલો શરૂ કરવામાં આવશે. આગામી એક – બે માસમાં ત્રણ – ચાર સીએચસીમાં 50 બેડની હોસ્પિટલો શરૂ થઈ શકે તેમ છે.
આમ કોરોના પછી શહેરના આરોગ્યલક્ષી માળખાને વધુ મજબૂત બનાવવા સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. અને જેમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવામા આવ્યું છે કે નિશ્ચિત સમયગાળામાં આ પ્રોજેક્ટ લોકોની સુખાકારી માટે જલ્દી ખુલ્લા પણ મુકાય, જેથી લોકો ઝડપથી તેનો ફાયદો પણ લઇ શકે. સુરતના દરેક ઝોનમાં 50 બેડની નાની હોસ્પિટલ શરૂ થવાથી સરકારી હોસ્પિટલો પર તેટલું ભારણ ઓછું આવશે એ નક્કી છે.
આ પણ વાંચો :