Surat: રસીકરણના મહાઅભિયાનમાં 252 કેન્દ્ર પરથી 42,982 લોકોને વેક્સીન અપાઈ, કેસોમાં ક્રમશઃ ઘટાડો
નોંધનીય છે કે હાલ શહેર અને ગ્રામ વિસ્તાર મળીને કુલ 23,308 એક્ટિવ કેસો છે. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસો ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ પણ લીધો છે.
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) વધુ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં ગત જાન્યુઆરી 2021થી શરુ થયેલ કોવિડ રસીકરણ (Vaccination) અભિયાન અંતર્ગત અત્યાર સુધી કુલ 42 લાખથી વધુ લાભાર્થીઓને રસીકરણના પ્રથમ ડોઝથી આવરી લેવામાં આવ્યા છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પૈકી 90 ટકા જેટલા લાભાર્થીઓને રસીકરણના બીજા ડોઝથી આવરી લેવામાં આવ્યા છે .
આ ઉપરાંત વિવિધ સ્લમ વિસ્તારમાં પણ મોબાઈલ ટીમ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાન અંતર્ગત કુલ 42,982 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 6,561 લોકોને પ્રથમ ડોઝ, 32,785 લોકોને બીજા ડોઝ તથા 3,636 પ્રિકોશન ડોઝનો સમાવેશ થાય છે. લાભાર્થીઓને 1 લીટર તેલના પાઉચ પણ આપવામાં આવ્યા હતા.
આ સાથે સુરત મહાનગરપાલિકામાં કુલ 42,47,942 લોકોને રસીકરણના પ્રથમ ડોઝ ( 123,78 %)થી કુલ 33,55,936 લોકોને બીજા ડોઝ ( 89.99 ટકા) તથા કુલ 46,181 લોકોને પ્રિકોશન ડોઝથી આવરી લેવામાં આવેલ છે. નોંધનીય છે કે કોરોનાની રસીકરણની ગતિ થોડા સમય પહેલા મંદ પડી હતી. જેથી પાલિકાએ અવારનવાર મેગા વેક્સિનેશન કેમ્પ હાથ ધરવા પડી રહ્યા છે. પાલિકાએ રવિવારે યોજેલા મહા રસીકરણ અભિયાનમાં કોર્પોરેશનનો કુલ 1 હજારથી વધુનો સ્ટાફ જોડાયો હતો.
રવિવારે શહેરમાં કોરોનાના 1,512 કેસો નોંધાયા હતા. જ્યારે અલગ અલગ સ્કૂલના 38 વિદ્યાર્થીઓ પણ પોઝિટીવ થયા હતા. નવા કેસમાં ટેક્સ્ટાઈલ માર્કેટના 11 અને હીરા બજારના 5 વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. રવિવારે 4 વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં ભટાર વિસ્તારમાં રહેતા મૃતકે વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો. નવા કેસમાં 1,097 લોકો ફુલ્લી વેક્સીનેટેડ છે. જેમાં 13 લોકોએ એક જ ડોઝ લીધો છે, જ્યારે 16 લોકોએ હજી વેક્સીન લીધી નથી.
કોરોના મહામારી વચ્ચે રવિવારે ડુમસ ચોપાટી પર ભારે ભીડ જામતા બીચને બંધ કરવાની નોબત આવી હતી. વારંવાર લોકોને જાગૃત કરવા છતાં પણ લોકો માસ્ક વગર ફરતા દેખાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બીચ બંધ કરવાની સાથે સાથે માસ્ક વગર ફરતા 25 વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે હાલ શહેર અને ગ્રામ વિસ્તાર મળીને કુલ 23,308 એક્ટિવ કેસો છે. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસો ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ પણ લીધો છે.
આ પણ વાંચો : Surat: અમેરિકામાં યોજાનારા ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેરમાં સુરત પેવેલિયન ઉભું કરાશે, 100થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ
આ પણ વાંચો : સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા