સુરતમાં ભાગીદારી પેઢીના વેરીફીકેશન માટે આવેલાં સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર લાંચ લેતાં ઝડપાયા
સુરત (Surat) ના પાસોદરા ખાતે ભાગીદારીમાં યાર્નનો વેપાર કરતા સુરતના રહીશ પાસે યાર્નનો ધંધો શંકાસ્પદ લાગે છે કહી પેનલ્ટી નહીં વસૂલવા રૂ.15 હજારની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝના સુપ્રિટેન્ડન્ટ, ઇન્સ્પેકટર અને વચેટીયાને સુરત એસીબીએ ઝડપી લીધા હતા.
સુરત (Surat) ના રહીશ કામરેજના પાસોદરા ગામે એક દુકાનમાં ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. તેમની પેઢીમાં સેન્ટ્રલ જીએસટી (GST) વિભાગના સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવત વેરીફીકેશન માટે આવ્યા હતા. તેમણે દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માંગ્યા બાદ ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવ્યા નથી તેમ કહી વેપારીએ રજુ કરેલા પુરાવાને ધ્યાને લીધા વિના તેમણે અત્યાર સુધી કરેલા રૂ.38 લાખના ધંધાના પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું કહી કાયદેસર કાર્યવાહી કરી પેનલ્ટી વસૂલાશે તેમ જણાવ્યું હતું. જો તેમ નહીં કરવું હોય તો તેમણે રૂ.20 હજારની લાંચની માંગણી કરી હતી.
ત્યારબાદ તેઓ સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલી વેપારીના સી.એ.ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા આવ્યા ત્યારે બંનેએ રકઝકના અંતે વેપારીના ભાઈ પાસે છેલ્લે રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. આથી વેપારીના ભાઈએ સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ વુમન પીઆઈ એ.કે. ચૌહાણ અને સ્ટાફે આજે નાનપુરા સ્થિત સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝની ઓફિસના ચોથા માળે છટકું ગોઠવી વેપારીના ભાઈ પાસે ઇન્સ્પેકટર આશિષ ગેહલાવતે વાત કરી. તેમના વચેટીયા જીમ્મી વિજયકુમાર સોનીને લાંચની રકમ આપવા કહેતા હતા.
સુરતના પાસોદરા ખાતે ભાગીદારીમાં યાર્નનો વેપાર કરતા સુરતના રહીશ પાસે યાર્નનો ધંધો શંકાસ્પદ લાગે છે કહી પેનલ્ટી નહીં વસૂલવા રૂ.15 હજારની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટી અને એક્સાઇઝના સુપ્રિટેન્ડન્ટ, ઇન્સ્પેકટર અને વચેટીયાને સુરત એસીબીએ તેમની નાનપુરા સ્થિત ઓફિસમાં જ ઝડપી લીધા હતા. વેપારીના ભાઈએ પૈસા આપ્યા તે સાથે જ એસીબીએ બંનેને ઝડપી પાડી બાદમાં સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન માસ્ટરની પણ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.