નવતર પ્રયોગ: રાજ્યમાં પહેલી વખત સુરતમાં કાપડનું પ્રદર્શન “વીવનીટ” યોજાશે

કોરોના પછી ખોરંભે ચડેલા બિઝનેસને વેગ આપવા હવે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પહેલી વાર કાપડનું પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે.

નવતર પ્રયોગ: રાજ્યમાં પહેલી વખત સુરતમાં કાપડનું પ્રદર્શન વીવનીટ યોજાશે

કોરોના (Corona)ના કારણે છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ પ્રકારના બિઝનેસના એક્ઝિબિશન થઈ શક્યા ન હતા. જેના કારણે વેપાર ધંધાને મોટી અસર થઈ હતી. પરંતુ હવે જયારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી છે. ત્યારે ધી સર્ધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 11થી 13 સપ્ટેમ્બર દરમ્યાન સરસાણા ખાતે ફેબ્રિક્સના એક્ઝિબિશન વિવનીટનું પહેલીવાર આયોજન કરવામાં આવ્યું છે.

 

 

કોરોના પછી રાજ્ય સરકાર પાસેથી હવે એક્ઝિબિશન કરવા પરવાનગી મળી ગઈ છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનામાં ત્રિદિવસીય ફેબ્રિક્સના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીના અપગ્રેડેશનની સાથે સાથે અવનવા તૈયાર થઈ રહેલા ફેબ્રિક્સની જાણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ઝિબિશન હાથ ધરવામાં આવ્યું છે.

 

 

એક્ઝિબિશનમાં કુલ 128 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેનું બુકીંગ પણ શરૂ થઈ ગયું છે. આ એક્ઝિબિશનમાં સુરતના જ ઉત્પાદકો 50થી વધુ અવનવા ફેબ્રિક્સનું એક્ઝિબિશન કરવાના છે. આ અંગે વીવનીટ એક્ઝિબિશનના ચેરમેન જણાવે છે કે રૂ. 1 કરોડના અંદાજિત ખર્ચે આ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

 

મુંબઈ, ગ્વાલિયર, જયપુર, ભિવંડી, ઈન્દોર, બનારસ, લુધિયાણા સહિત 20થી વધુ શહેરોમાંથી બાયર્સે આવવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત ઈન્ટરનૅશનલમાંથી દુબઈ અને બાંગ્લાદેશના બાયર્સનું ડેલિગેશન પણ સુરત આવશે. જેમાં વોટરજેટ મશીન પર તૈયાર થયેલા 50થી વધુ ફેબ્રિક્સનું પહેલી વખત પ્રદર્શન હાથ ધરાશે.

 

બેબી સિલ્ક, જરી પેટર્ન, બેબી સાટીન, મોસ સાટીન, બ્લેક બેરી, મલાઈ સાટીન, જલપરી, ટાફેટાકુમારી સાટીન જેવા સુરતમાં તૈયાર થતાં અને મોટા ગારમેન્ટ હાઉસ દ્વારા ગારમેન્ટિંગ માટે વપરાતા ફેબ્રિક્સનું સુરતના ઉત્પાદકો પ્રદર્શન હાથ ધરશે. અત્યાર સુધી 70 ટકાથી વધુ સ્ટોલનું બુકીંગ થઈ જવાનો પણ મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

આમ, કોરોનાના સમય બાદ હવે પહેલી વખત જ્યારે રાજ્યમાં કાપડનું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે, ત્યારે તેનાથી ફેબ્રિક્સના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને પણ ઘણો ફાયદો થશે. દેશના અન્ય શહેરોમાંથી પણ વેપારીઓ આવવાના હોવાથી અન્ય શહેરો સાથે વેપારનો રસ્તો પણ ખુલ્લો થશે.

 

 

આ પણ વાંચો : Surat : ખેડૂત પિતાને પ્લેનમાં ફરવાની ઈચ્છા હતી, દીકરીએ પાયલોટ બની સપનું કર્યું સાકાર

આ પણ વાંચો: Surat : શહેરમાં વધતી વસ્તી અને ગુનાખોરીને ધ્યાનમાં લઇ નવા પાંચ પોલીસ સ્ટેશન બનશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati