NDRF, ફાયર, મનપાની ટીમ, તમામ ગટરમાં પડેલા બાળકને બહાર કાઢવામાં વ્યસ્ત, પણ સુરતના મેયર ક્રિકેટ મેદાનમાં મસ્ત !
સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30 વાગ્યે એક બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું. પરિવાર અને સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી, પરંતુ જ્યારે બાળક ન મળ્યું ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી. મહત્વનું છે કે આ દરમ્યાન મેયર દક્ષેશ મેવાની ક્રિકેટના મેદાનમાં બોલબેટની મજા માણી રહ્યા હતા.

સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી. ફાયર વિભાગે કેમેરાની મદદથી તપાસ શરૂ કરી, પણ કલાકોની મહેનત બાદ પણ બાળક ન મળતાં રાત્રે રેસ્ક્યૂ કામગીરી બંધ કરાઈ. આજે 6 ફેબ્રુઆરીએ ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી છે, પણ 15 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં કોઈ જાણકારી મળી નથી.
ઘટનાની વિગત
કેદાર શરદભાઈ વેગડ (ઉંમર 2) માતા સાથે બજારમાં ગયો હતો. જ્યાં તેઓ આઇસ્ક્રીમ ખાવા માટે દોડી ગયા અને ખુલ્લી ગટરમાં પડી ગયા. જ્યારે રાત્રે મેયરને સ્થાનિકોએ કોલ કર્યો ત્યારે મેયરે કહ્યું કે, “હું બહાર છું, મારી ટીમ મોકલું છું.” તે સમયે મેયર દક્ષેશ માવાણી ગાંધીનગર ખાતે મેયર્સ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા.
મહાનગરપાલિકા તંત્રની સ્થિતિ
અહેવાલ મુજબ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે 10-15 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેના કારણે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કામકાજ અસરગ્રસ્ત રહ્યું.
શોધખોળની હાલની સ્થિતિ
NDRF અને ફાયર વિભાગે મળીને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે. વરિયાવ પંપિંગ સ્ટેશન ખાતે અધિકારીઓ હાજર છે અને તમામ હોલ તપાસવામાં આવી રહ્યા છે.
અમદાવાદના તત્કાલીન મેયર કાનાજી ઠાકોર પાસેથી રાજકીય અગ્રણીઓએ શીખ લેવાની જરૂર..
અમદાવાદમાં પણ ભૂતકાળમાં આવી ઘટના બની હતી. ત્યારે ગટરમાં પડેલ વ્યક્તિને શોધવા માટે અમદાવાદના તત્કાલીન મેયર કાનાજી ઠાકોર આખી રાત ફાયરની ટીમ સાથે રહ્યા. મહત્વનું છે કે કાનાજી ઠાકોર વિદેશ ગયા હતા જ્યાં એરપોર્ટથી સીધા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમ્યાન બાપુનગર થી આગળ દૂર સુધી ગટરો ખોદાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સુરતના મેયર ફક્ત ટીમ મોકલી જાતે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે.