Surat: મેડિકલની વિદ્યાર્થિનીએ પરીક્ષામાં ATKT આવ્યા બાદ કર્યો આપઘાત, ‘ગેમ ઓવર’ લખેલી ટી-શર્ટ પહેરી જીવન ટુંકાવ્યું
Surat News : 19 ડિસેમ્બરના રોજ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
સુરત શહેરમાં દિવસે દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી છે. જહાંગીરપુરા વિસ્તારમાં તબીબી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જાનવી પટેલ નામની વિદ્યાર્થિનીએ ‘ગેમ ઓવર’ લખેલી ટી-શર્ટ પહેરી ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરીક્ષામાં ATKT આવતા માનસિક તણાવમાં આપઘાતનું પગલું ભર્યું હોવાની પોલીસને આશંકા છે. કિમની કોલેજમાં BHMSના ત્રીજા વર્ષમાં મૃતક વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આપઘાતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તબીબી વિદ્યાર્થિનીએ ઘરમાં ગળે ફાંસો ખાધો
19 ડિસેમ્બરના રોજ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે જ્યારે ઘરમાં કોઇ હતુ નહીં ત્યારે આ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. પરિવાર ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થિનીને નજીકના હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ જ તેનું મોત થઇ ગયુ હતુ. ત્યારે હવે વિદ્યાર્થિનીના મોત બાદ માત્ર તેના પરિવાર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ શોક ફેલાઇ ગયો છે.
Medical girl student dies by suicide in Jahangirpura of #Surat due to poor exam results#Gujarat #TV9News pic.twitter.com/e3aCJ0hgW8
— Tv9 Gujarati (@tv9gujarati) December 20, 2022
પરીક્ષામાં ATKT આવતા આપઘાતની આશંકા
મહત્વની વાત એ છે કે વિદ્યાર્થિનીએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેની ટીશર્ટ પર ‘ગેમ ઓવર’ લખેલુ હતુ. એટલે જાણે કે એક સંદેશો આપીને આપઘાત કર્યો છે. સુરતના કીમ નજીક આવેલી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યુ. પરંતુ પરીક્ષામાં ATKT આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે. જેથી હાલમાં જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(વિથ ઇનપુટ-બળદેવ સુથાર, સુરત)