Gujarati Video: સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Surat: સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા દોષીતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નરાધમ પકડાયાના 100 દિવસની અંદર જ કોર્ટે દોષીને સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.
સુરતમાં દુષ્કર્મ કરનારા નરાધમો સામે કોર્ટ સહેજ પણ ઢીલ બતાવ્યા વિના આકરા પાણીએ સજા આપી છે. જેમાં વધુ એક બે વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગત નવેમ્બરમાં વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલા શ્રમિક પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રક ચાલકે દુષ્કર્મ કર્યું હતું. જેમાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી હતી અને એક સપ્તાહની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. આ ચાર્જશીટ ફાઈલ થયા બાદ 100 દિવસની અંદર જ કોર્ટે બળાત્કારીને આજીવન કેદની સજા ફટકારી છે.
બાળકીઓ પર દુષ્કર્મના કેસમાં કોર્ટ આકરા પાણીએ સંભળાવી રહી છે સજા
નાની બાળકીઓ પર ગુજારવામાં આવેલા બળાત્કારના ચાલી રહેલા કેસમાં કોર્ટ એક બાદ એક દરેક કેસને બારીકાઈથી તપાસી સજા સંભળાવી રહી છે. હજુ ગયા સપ્તાહમાં જ કતારગામમાં 6.5 વર્ષની બાળકીના રેપ વિથ મર્ડરના કેસમાં કોર્ટે નરાધમને ફાંસીની સજા સંભળાવી હતી. જેમાં આજે(03.03.23) કોર્ટે વધુ એક નરાધમને સજા ફટકારી છે. સુરદીપ બાલકિશન નામના નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જે રીતે બળાત્કારીઓને સુરત કોર્ટ સજા ફટકારી રહી છે તેને જોતા બળાત્કારીઓની હવે ખેર નથી તેવુ લાગી રહ્યુ છે.
સુરત સેશન્સ કોર્ટ દ્વારા સુરદીપ બાલકિશનને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ આ કેસના તપાસ કરતા ડીસીપી સાગર બાગમારેએ જણાવ્યુ હતુ કે સુરત કોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
ડમ્પર ચાલકે વેસુ વિસ્તારમાંથી મધરાત્રે બાળકીનું અપહરણ કરી આચર્યુ હતુ દુષ્કર્મ
વેસુ વિસ્તારમાં રોડ પર સૂતેલી બાળકીનું મધરાત્રે ડમ્પર ચાલક અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક ટ્રક ચાલક સુરદીપ બાલકિશનની ધરપકડ કરી હતી અને અઠવાડિયાની અંદર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. કોર્ટ દ્વારા આ કેસમાં માત્ર 100 દિવસની અંદર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે બળાત્કારી સુરદીપ બાલકિશનને આજીવન કેદની સજા ફટકારી છે.
મહિલા કોન્સ્ટેબલ અને પોલીસની સતર્કતાથી પોલીસ બાળકી સુધી પહોંચી
વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી PCR વાન ત્યાંથી પસાર થઈ હતી. PCRમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. મહિલા પોલીસ-કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને લઈ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી ગઈ હતી અને ડમ્પર મૂકીને ઘટના સ્થળેથી ભાગી છુટેલ નરાધમ સુરદીપ બાલકિશનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.
ઘટના બાદ ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો હતો આરોપી
પોલીસે એસ.કે નગર પાસેથી દુષ્કર્મ કરનાર આરોપી અને બાળકીને શોધી કાઢી મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આરોપી સુરદીપ બાલકિશનની ધરપકડ કરી હતી. જ્યાં તેની તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે તે મૂળ યુપીના દેવરીયાનો રહેવાસી છે અને ડ્રાઈવિંગનું કામ કરી રહ્યો છે.
નરાધમ આરોપી સામે પોલીસે આઈપીસી કલમ 363, 365, 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા આજે સો દિવસની અંદર નરાધ અમને આજીવન કેદની સજા સંભળાવતો હુકમ કર્યો છે.